પેલો સૂરજ તો સાંજટાણે આથમી જશે,
આંખોમાં તારી ઊગશે એને સલામ છે!
વ્હાલી જિંદગી,
- Advertisement -
તું જ્યારે જ્યારે મારી સામે હોય છે ત્યારે જીવન જાણે ઉત્સવ બનીને વહેવા લાગે છે. તારો સાથ મારા જીવન સત્કારનું એક ઉત્તમ માધ્યમ બનીને મને સતત જીવાડી જાય છે. તું મારા જીવનમાં મહોરેલું એ ગુલાબ છે જે મને રસતરબોળ બનાવી કાયમ મહેકતો રાખે છે. હું તારામાં સાવ એકાકાર થઈને હવે સંપૂર્ણપણે જિંદગીમય બન્યો છું કારણ કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું. જિંદગી તું મારા આત્માની એવી લકીર છે જ્યાં જીવ સતત પોરો ખાઈને સદગતિ પ્રાપ્ત કરે. તું મારી ભીતર બેઠેલા પંખીનો એ મધૂર કલરવ છે જે નિર્ભયપણે જીવનરૂપી ડાળ પર બેસીને ટહુક્યા કરે છે. તું મારા જીવનરૂપી અંધારામાં પ્રગટેલો એ દીવો છે જે મને અજવાળાનું ભાન કરાવે છે. તું ચૈત્રનું એ ચરિતર છે જે મારા ચરિત્રમાં સુંદર ચિત્રો પાડી જીવનના રંગો ભરે છે. તું મારા લાગણીતંત્રમાં પરોવાયેલું એ સત્વ છે જેને હું બ્રહ્મતત્વ સાથે સરખાવી શકું છું કારણ કે મારું બ્રહ્મ અને બ્રહ્મત્વ તું જ છે. તું મારી સોનેરી સવાર પણ છે અને સલૂણી સાંજ પણ. તું જ મારા આત્માનો અવાજ છે અને નાદબ્રહ્મનો જયઘોષ પણ તું જ છે. બંધ આંખે – તંદ્રાવસ્થામાં પણ હું તારા આકારને અનુભવી શકું છું… તારા પ્રેમને મારા આત્મા સાથે જોડી પણ શકું છું અને તારા આખા અસ્તિત્વને સમુહ મારી આરપાર ઉતારી પણ શકું છો કારણ કે હું તને અત્યંત ચાહું છું. મારી અંદર ધબકતા બધા જ ધબકારામાં ફક્ત અને ફક્ત તું જ ધબકે છે, તું જ ફેલાયેલી છે અને તું જ મારું સર્વસ્વ બની આરપાર આવે છે, જાય છે. જિંદગી! તું મારું એ બધું જ છે જે ના હોય તો હું જ ના હો કારણ કે તું મારા આત્માને, જીવને ચલાવનારું ચાલકબળ છે. જિંદગી! હું તને ભરપૂર પ્રેમ કરું છું કારણ કે તું મને ગમે છે.
તારા વાળની લટોમાં હું મારા શ્વાસને પરોવી હિંચકા ખાઉં છું ત્યારે હું ખરેખર પાવન થતો જાઉં છું. તારા રતુમડા ગાલ પર આંગળીના ટેરવા ફેરવતી વખતે હું ખરેખર તો જીવતર જીવવાની માળા જ ફેરવતો હોઉં એવું લાગ્યા કરે છે. તારો સ્પર્શ મારા માટે સંજીવની બનીને આવી ચડે છે પછી હું આનંદિત થઈ આખા ઘરમાં દોડવા લાગું છું. મારું આ દોડવું એ પ્રેમનો ઉત્સવ બની જાય છે કારણ કે હું તને ભરપૂર પ્રેમ કરું છું. તું મને એ હદે ગમે છે કે તારો શ્વાસ મારા જીવવાનો પ્રાણ બની જાય છે. તારી આંખમાં સૂરજ ઉગ્યા ની વેળાએ હું આખેઆખો તારામાં ઊગી નીકળું છું. જેવી રીતે કોશેટોમાંથી ઇયળ બહાર આવી પતંગિયા નું રૂપ ધારણ કરે એવી જ રીતે હું મટીને તું બની જાઉં છું અને પછી તો મારું આખું અસ્તિત્વ જીવતરનગર થઈને સતત મારી ભીતર ધબક્યાં જ કરે છે. તું ફક્ત મારી છાતીમાં જ નથી ધબકતી પરંતુ આખા આયખાને મહેકાવે છે. તું એટલે મારા ચહેરામાં ક્ષણે ક્ષણે પાવન થઈને પ્રગટતી સપનાઓની હરખઘેલી કરચલી… એટલે મારી આંખોમાં ઊગતા પ્રભાતની વણથંભી યાત્રા… તું એટલે મારા મનમાં ઘર કરી ગયેલી એ ધારણા જેને વારંવાર વાગોળવી ગમે… આ તથા આવા લાખો કારણોથી જિંદગી ! હું તને અત્યંત ચાહું છું.
સતત તને શ્વસતો…
જીવ.