સરકાર તરફથી જ અડધો જથ્થો ફાળવાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકોટ સહિત રાજયભરમાં રેશનીંગનાં લાભાર્થીઓને તુવેરદાળ અને જણાનો જથ્થો અપૂરતો અપાય છે. તો, કયારેક ફાળવણી જ થતી નથી. આથી વેપારીઓ અને લાભાર્થીઓ વચ્ચે વારંવાર ઘર્ષણ થાય છે અને કારણ વિનાનો દેકારો બોલી જાય છે. ત્યારે ફરી ચાલુ ડિસેમ્બર માસ દરમ્યાન તુવેરદાળ અને ચણાનો માત્ર 50 ટકા જેટલો જથ્થો વેપારીઓને ફાળવવામાં આવતા ફરી ચાલુ માસે દાળ અને ચણા પ્રશ્ને વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ થવાની પૂરી શકયતા છે. વેપારી વર્તુળોમાંથી મળતી વધુ વિગતો મુજબ એક તરફ પુરવઠાનું સર્વર ગમ્મે ત્યારે દગો દે છે. તો, બીજી તરફ વિતરણ માટેની જણસીની અનિયમિતતાથી વેપારીઓને ગ્રાહકો સાથે છાશવારે માથાકુટ થાય છે.
- Advertisement -
ત્યારે અધુરામાં પુરૂ હોય તે રીતે ફરી એકવાર ચાલુ માસમાં તુવેરદાળ અને ચણાનો જથ્થો અર્ધો જ ફાળવાતા વેપારી વર્ગ ભારે પરેશાન થઈ ગયો છે. વેપારી સંગઠનનાં આગેવાનોનાં જણાવ્યા મુજબ આ વિકટ પ્રશ્ને વારંવાર વેપારીઓ, હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે વહેલી તકે આ સમસ્યા નિવારવા માટે ચાલુ સપ્તાહમાં જ વેપારી સંગઠન ડીએસઓ અને રાજયના પુરવઠા સચિવને મળી રજૂઆત કરવાના છે.
દરમ્યાન વેપારીઓના જણાવ્યા મુજબ રાજયની 17000 સસ્તા અનાજની દુકાનોમાં ડીસેમ્બર 2024ના મહીના માટે રાજય સરકારની કલ્યાણકારી યોજના મારફત ગરીબ જનતાને આપવામાં આવતી વિવિધ જણસીઓમાં દાળ અને ચણાની ફકત 50% જ ફાળવણી કરવામાં આવી છે, તેના પરિણામે ગુજરાત રાજયના 75,26,123 કાર્ડ હોલ્ડરોમાંથી અડધો અડધ કાર્ડ હોલ્ડરો તુવેરદાળ અને ચણા જેવી જણસીઓથી વંચીત રહેશે અને આ ફકત ડીસેમ્બર 2024ના માસ માટે જ નથી લગભગ છેલ્લા ત્રણ વર્ષથી આ સીલસીલો ચાલતો આવે છે.
કોઈક મહીનો તુવેરદાળ, કોઈક મહીનો ખાંડ, કોક મહીનો ચણા જેવી વિવિધ જણસીઓથી કાર્ડ હોલ્ડરને વંચીત રહેવું પડે છે દર પહેલી તારીખે રાજય સરકાર વિવિધ મળવાપાત્ર જણસીઓની જાહેરાત પ્રસિદ્ધ કરતી હોય છે. પરંતુ એ મુજબનો જથ્થો રાજય સરકારના ગોડાઉન, સસ્તા અનાજની દુકાનો કે આ વિવિધ જણસીઓના સપ્લાયરો પાસે પણ હોતી નથી પરીણામે આવી જાહેરાતો વાંચીને રાશનકાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાન ખાતે ધસારો કરીને વિવિધ જણસીઓની માંગણી કરતા હોય છે.