ઉતરપ્રદેશ ચુંટણી પરિણામ બાદ યોગી આદિત્યનાથની કાર્યકરોને સલાહ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
તાજેતરમાં જ સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીઓમાં પક્ષને થયેલા નુકસાન અંગે રવિવારે ભાજપની સ્ટેટ વર્કિંગ કમીટીની બેઠકમાં આત્મચિંતન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના સંબોધનમાં વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે વિરોધીઓ તેમના ષડયંત્રમાં સફળ રહ્યા છે. અમે તેમને 2019માં નિષ્ફળ કર્યા હતા. આપણે સોશિયલ મીડીયા પર નજર રાખવી પડશે. આપણે આપણી સિદ્ધિઓને મુદ્દો બનાવી શકયા નથી.
- Advertisement -
મીટીંગમાં કાર્યકરોનો ઉત્સાહ અકબંધ રાખવા તેમણે કહ્યું હતું કે, કોઈપણ સંજોગોમાં તમારે બેકફૂટ પર આવવાની જરૂર નથી. કારણ કે તમે લોકોએ તમારો સર્વોચ્ચ દેખાવના પ્રમાણ આપ્યા છે. વોટોનું શિફિટંગ અને અતિ આત્મવિશ્વાસના કારણે પક્ષને કયાંકને કયાંક નુકસાન ચોકકસ થયું છે. પરંતુ તમે લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014, 2017 અને 2022માં સફળતા પ્રાપ્ત કરી બતાવી છે.
લખનૌની ડો. રામ મનોહર લોહિયા લો યુનિવર્સિટીના આંબેડકર ઓડીટોરિયમમાં યોજાયેલી પક્ષની એક દિવસીય રાજય કાર્ય સમીતીની બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં યુપીના સએમ યોગી આદિત્યનાથ સહિત પાર્ટીના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.
યોગીએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું હતું કે પક્ષના કાર્યકરોની મદદથી અમે યુપીને માફિયાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવીને રાજયમાં સલામતીને માહોલ સ્થાપિત કર્યો છે. અમે 500 વર્ષ પછી રામ મંદિર બનાવ્યું છે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે આપણે સમજી લેવું જોઈએ કે આપણા ખભા પરની જવાબદારી કોઈ સિઝનલ પ્રકારની નથી.