મંત્ર-જાપ સતત ચાલુ રાખવો જોઈએ અને ધ્યાન રોજ કરવું જોઈએ. એમાં પ્રમાદ ચાલે નહીં. શિવસંહિતામાં કહ્યું છે કે નિત્ય અભ્યાસ દ્વારા જ શુદ્ધ ચિત્ત પ્રાપ્ત થાય છે.
મોર્નિંગ મંત્ર
– ડૉ. શરદ ઠાકર
અભ્યાસ દ્વારા યોગ પૂર્ણ થાય છે. અભ્યાસ દ્વારા જ વિભિન્ન મુદ્રાઓ અને ક્રિયાઓમાં સફળતા મળે છે. અભ્યાસ દ્વારા પ્રાણાયામ પણ સફળતાપૂર્વક થઈ શકે છે. શિવસંહિતા તો ત્યાં સુધી કહે છે કે અભ્યાસ દ્વારા મૃત્યુ પર પણ વિજય પ્રાપ્ત કરી શકાય છે અને અભ્યાસ દ્વારા જ અમરતા મેળવી શકાય છે. આપણને બધાને ધ્યાન કરવા માટે સમય મળતો નથી. આપણું દૈનિક જીવન એટલી બધી વ્યસ્તતાઓથી ભરેલું હોય છે કે વહેલી સવારે, સાંજે અથવા મોડી રાત્રે આપણે ધ્યાન માટે સમય કાઢી શકતા નથી.
- Advertisement -
દૈનિક ધ્યાન એ દૃઢ અભ્યાસનું રહસ્ય છે, જે માટે પ્રતિબદ્ધતા હોવી જરૂરી છે. ધ્યાન-સાધના માટે આપણી પાસે નિશ્ચિત પ્રાથમિકતા હોવી જોઈએ. નહીંતર સમયની ભીડમાં અને દુન્યવી વ્યસ્તતાઓમાં ધ્યાન માટેનો સમય ખોવાઈ જશે. જો તમારે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને ધ્યાનમાં બેસવું હોય તો એ માટે વહેલાં ઊઠવું જ પડશે. જો તમારો નિર્ધાર મક્કમ હશે તો તમે જાગી જ જશો. ‘ઍલાર્મ’ની મદદની પણ જરૂર નહીં પડે. કોઈ અદૃશ્ય શક્તિ તમને જગાડી દેશે.
આપણા દરેક કાર્ય માટે કોઈ ને કોઈ નિરીક્ષક હોય છે. વિદ્યાર્થી ભણે છે કે નહીં તેનું ધ્યાન રાખવા માટે શિક્ષક હોય છે. શિક્ષક તેની ફરજ બજાવે છે કે નહીં તે જોવા માટે હેડમાસ્તર હોય છે. ઘરકામ કરનારી બાઈ કચરા, પોતાં, કપડાં, વાસણ બરાબર કરે છે કે નહીં તેના પર ગૃહિણીની નજર રહે છે. ઓફિસમાં કર્મચારીઓ ઉપર દેખરેખ રાખવા માટે મોટા સાહેબ હોય છે, પરંતુ મનુષ્ય જ્યારે ધ્યાન કરવા બેસે છે ત્યારે એના પર અન્ય કોઈનો પહેરો હોતો નથી. આપણે પોતે જ આપણા ચોકીદાર હોઈએ છીએ.
આ બે મુદ્દા પરથી સ્પષ્ટ થઈ ગયું હશે કે ધ્યાનયોગ પૂર્ણ કરવા માટે બે શરતો આવશ્યક છે. એક, સમયની શિસ્ત જાળવવી અને બીજું, મનની પ્રતિબદ્ધતા રાખવી.