સમીર પટેલ દિલ્હીમાં છૂપાયો હોવાની આશંકા
સૌરભ પટેલની આકરી પૂછપરછ કરવામાં આવે તો સમીર પટેલની ભાળ મળી જાય
- Advertisement -
લઠ્ઠાકાંડ માટે જવાબદાર બનેલા મિથેનોલ કેમિકલના સપ્લાયર તેમજ એમોસ કંપનીનો માલિક સમીર પટેલ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો હોવાની હકીકત જ લઠ્ઠાકાંડમાં તેની ઊંડી સંડોવણી હોવાનો નિર્દેશ આપી રહી છે. ગુજરાત સરકારે પણ સમીર પટેલને ઝડપી લેવાને બદલે પોલીસ અધિકારીઓને જવાબદાર ઠેરવીને ગુજરાતના પૂર્વ મંત્રીના પુત્ર સમીર પટેલને બચાવી લેવાની કવાયત કરી હોવાનું દર્શાવે છે. એટલે જ આજે લઠ્ઠાકાંડ થયાના દસ દિવસ પછી પણ સમીર પટેલ પોલીસ પકડથી દૂર છે. સમીર પટેલને સતત તેમના દરેક કામમાં ભાગીદાર સૌરભ પટેલનો સાથ-સહકાર મળી રહ્યો છે. સમીર પટેલ દ્વારા સૌરભ પટેલ સાથે મળી બેટ-દ્વારકા મંદિર સમિતિમાં પણ પ્રમુખ-ઉપપ્રમુખ સ્થાનેથી કૌભાંડ કરવામાં આવી રહ્યા છે. સબસિડાઈઝ યુરિયાનો કોમર્શિયલ યુરિયા તરીકે વેપાર કરીને નફાખોરી કરવામાં પણ સંડોવાયેલા હોવાની ચાલી રહેલી ચર્ચા દર્શાવે છે કે સમીર પટેલ દરેક ગેરરીતિ કરવામાં રીઢા ગુનેગાર જેવા થઈ ગયેલા છે. મિથેનોલના ઉત્પાદકથી માંડીને તેના વપરાશ સુધીની પ્રક્રિયા પર નજર રાખવા કાયદેસર બંધાયેલા નશાબંધી ખાતું ઇચ્છે તો આ પ્રકરણ પરથી ઝડપથી પડદો ઊંચકાઈ જાય અને સમીર પટેલની સંડોવણી બહાર આવી જાય.
આ દરમિયાન સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ સમીર પટેલ દિલ્હીમાં છૂપાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે, સૌરભ પટેલને દિલ્હીમાં છૂપાયેલા સમીર પટેલનો બધો જ અતોપતો ખબર છે અને જો પોલીસ દ્વારા સૌરભ પટેલની આકરી પૂછપરછ કરવામાં આવે તો સમીર પટેલની ભાળ મળી જાય તેમ છે. અત્રે ખાસ એ પણ નોંધનીય છે કે, કોઈપણ ગુનેગાર છટકી ન શકે તેવી શેખી કરનારા ભાજપની વર્તમાન સરકાર પણ આ કેસમાં ઢીલીનીતિ અપનાવી રહેલી પોલીસને આક્રમક બનીને 50થી વધુ લોકોના જાન લઈ લેનાર લઠ્ઠાકાંડમાં વપરાયેલા મિથેનોલના સપ્લાય માટે જવાબદાર સમીર પટેલને છાવરવામાં સાથ આપી રહી હોવાનું અને સમગ્ર મામલે તેમના સાથીદાર સૌરભ પટેલનો પણ બચાવ કરતી હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. બોટાદના વિધાનસભ્ય સૌરભ પટેલ ભાજપના હોવાથી તેમને બચાવવા અને તેની સાથે પક્ષની ઇમેજને ધક્કો ન પહોંચે તે માટેના પ્રયાસ પણ થઈ રહ્યા છે તેથી જ આ ક્લિયર કટ કેસ હોવા છતાં તપાસને ટલ્લે ચઢાવવામાં આવી રહી છે.
લઠ્ઠાકાંડ કેસમાં સાપરાધ મનુષ્ય વધ સહિત નવ કલમ ઉમેરવાની કોર્ટની મંજૂરી
બરવાળા-ધંધુકા લઠ્ઠાકાંડના ઘટના બાદ પોલીસ દ્વારા હત્યા અને પ્રોહિબીશનની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યા હતા. જોકે કાયદાકીય માર્ગદર્શન બાદ આ કેસની તપાસમાં 302ના બદલે સાપરાધ મનુષ્ય વધની કલમ 304 સહિત અન્ય આઠ કલમ ઉમેરવાની રજૂઆત તપાસ અધિકારી દ્વારા બરવાળા કોર્ટમાં કરવામાં આવી હતી. જે અનુસંધાને બુધવારે ખાસ નિમણૂંક કરાયેલા સરકારી વકીલે આ સંદર્ભમાં કોર્ટમાં રજૂઆત કરતા કોર્ટ તમામ દલીલોને ગ્રાહ્ય રાખીને 304 સહિતની કલમ ઉમેરવાની મંજૂરી આપતા આરોપીઓ પર કેસનો ગાળિયો વધુ મજબુત થયો હતો. ખાસ સરકારી વકીલ ઉત્પલ દવે દ્વારા કોર્ટમાં આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા તમામ મુદ્દાઓ અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આઇપીસી કલમ 304, 34, 120, 201, 202, 118 284 અને 308 તેમજ પ્રોહીબીશનની કલમ 81 અને 83 ઉમેરવાની મંજૂરી આપવામાં આવી હતી.
- Advertisement -
ક્યા ગુના માટે કઇ કલમ છે?
IPS 304 : સાપરાધ મનુષ્ય વધ એટલે કે જે ગુનો કરવાથી વ્યક્તિનો જીવ જઇ શકે છે. જેમાં 7થી 10 વર્ષની સજાની જોગવાઇ છે.
IPS 34 : આ કલમમાં ગુનેગારોનો ગુનો કરવાનો હેતુ એક સરખો હેતુ હોવાનો સમાવેશ થાય છે.
IPS 120 : આ કલમમાં ગુનાહિત કાવતરૂ ઘડવાના ગુનાનો સમાવેશ થાય છે. જેમાં સાત વર્ષની સજાની જોગવાઇ છે.
IPS 201 : ખોટી માહિતી આપીને વિશ્ર્વાસ કેળવીને વ્યક્તિના જીવને જોખમમાં મૂકવાનો ગુનો બને છે.
IPS 118 : આ કલમમાં કોઇના મોત માટે ગુનો કરવાનો હેતુ હોવાની બાબતનો સમાવેશ થાય છે.
IPS 284 : કોઇના જીવને જોખમમાં મુકવા માટે ઝેરી પદાર્થ આપવાના ઇરાદાનો સમાવેશ થાય છે.
IPS 308 : કોઇની ગેર ઇરાદે હત્યા કરવાનો ગુનો છે. જેમાં ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે.



