રાજકોટમાં અઠવાડિયામાં 30,748 ઘરોમાં પોરાનાશક કામગીરી, 365 ઘરમાં ફોગીંગ અને 550 સ્થળની તપાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં જ મનપાનાં ચોપડે સામાન્ય તાવનાં સૌથી વધુ 916 કેસ નોંધાયા છે. તેમજ શરદી-ઉધરસના 703 અને ઝાડા-ઊલટીના 342 કેસ નોંધાયા છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગોનાં કેસો સહિત વિવિધ રોગના કુલ 1967 કેસ સામે આવ્યા છે. જેમાં કમળાના 3 અને ટાઇફોઇડ, મેલેરીયા, ડેન્ગ્યૂના એક એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે. રાજકોટ મનપાનાં આરોગ્ય કેન્દ્રો તેમજ સિવિલ હોસ્પિટલ અને ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ મેલેરિયા ફિલ્ડવર્કર, અર્બન આશા અને વોલેન્ટીયર્સ સહિત દ્વારા 7 જુલાઇથી 13 જુલાઇ દરમિયાન 30,748 જેટલા ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. અને 365 ઘરોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત અંદાજીત 550 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 82 તો કોર્મશીયલ 195 આસામીને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત 32 આસામી પાસેથી મચ્છર ઉત્પતિ સબબ 23,200નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
અઠવાડિયા અને વર્ષના રોગચાળાના કેસની વિગત
રોગ સંખ્યા કુલ કેસ
શરદી-ઉધરસ 703 20,140
સામાન્ય તાવ 916 20,690
ઝાડા-ઉલ્ટી 342 5,456
ટાઈફોઈડ તાવ 1 58
કમળો 3 80
મેલેરીયા 1 9
ડેન્ગ્યુ 1 20


