ખાસ-ખબર સંવાદદાતા
ઘણા સમયથી બહુચર્ચીત ચેપી વાયરસ લમ્પી હવે હળવદમાં પણ દેખાયો છે જેમાં હળવદ શહેરના રાણેકપર રોડ પર આવેલ રામવિલા સોસાયટીની ગૌશાળામાં એક ગાયને લમ્પી વાયરસની અસર દેખાતા પશુપાલન વિભાગ દ્વારા રસી આપવામાં આવી હતી તેમજ ગૌશાળાની અન્ય 20 ગાયોને પણ રસી આપી સુરક્ષિત કરવામાં આવી હતી.
હળવદના રાણેકપર રોડ પર આવેલ રામવિલા સોસાયટીમાં મહેશભાઈની ગૌશાળામાં એક ગાયને લમ્પી વાયરસના લક્ષણ જણાતા પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું હતું જેમાં ડો. વી. બી. એરવાડિયા સહિતની ટીમ દ્વારા ગૌશાળાએ દોડી જઈને 20 જેટલી ગાયોને રસી આપીને નિદાન કરવામાં આવ્યું હતું જેમાંથી એક ગાય લમ્પી વાયરસનો ભોગ બની હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે ડો. વી.બી.એરવાડિયાએ જણાવ્યું હતું કે, લમ્પી વાયરસને લઈને પશુપાલન વિભાગ એલર્ટ છે અને આવા વાયરસ દેખાઈ તો તરત જ પશુપાલન વિભાગને જાણ કરવી તથા પશુપાલન વિભાગ પાસે રસીનો હાલ પુરતો સ્ટોક હોય એટલે કોઈ પશુપાલકે બેદરકારી દાખવ્યા વિના તાત્કાલિક પશુપાલન વિભાગનો સંપર્ક કરી પશુઓને લમ્પી વાયરસથી સુરક્ષિત કરવા અપીલ કરી હતી.