-ઘરેલું ક્રિકેટની સાથે સાથે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું યથાવત રાખશે
ઈંગ્લેન્ડના સ્ટાર બેટર એલેક્સ હેલ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. એલેક્સ હેલ્સ પાછલા વર્ષે રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ ટીમ વતી રમ્યો હતો. એ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડે ફાઈનલ મુકાબલામાં પાકિસ્તાનને હરાવ્યું હતું. હેલ્સે પોતાની નિવૃત્તિની જાહેરાત ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થકી કરી છે.
- Advertisement -
34 વર્ષીય એલેક્સ હેલ્સે લખ્યું કે મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. ત્રણેય ફોર્મેટના મળીને 156 વખત પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવું સૌભાગ્યની વાત છે. મેં અમુક યાદો અને દોસ્તી જીવનભર માટે બનાવી લીધી છે અને મને લાગે છે કે હવે આગળ વધવાનો સમય છે. હેલ્સે કહ્યું કે ઈંગ્લેન્ડ માટે રમવા દરમિયાન મેં ઉતાર-ચડાવ જોયા છે.
આ એક અવિશ્વસનીય યાત્રા રહી છે અને મને સંતોષ થઈ રહ્યો છે કે ઈંગ્લેન્ડ માટે મારી અંતિમ ગેમ વિશ્વકપનો ફાઈનલ રહ્યો છે. મને આ ઉતાર-ચડાવયુક્ત સફરમાં હંમેશા મારા મિત્રો, પરિવાર, ચાહકો તરફથી સમર્થન પ્રાપ્ત થયું છે.
જો કે હેલ્સ ઘરેલું ક્રિકેટ નૉટિંઘમશાયર સાથે સાથે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું યથાવત રાખશે. એલેક્સ હેલ્સે ઑસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-20 વર્લ્ડકપ 2022 દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત વિરુદ્ધ સેમિફાઈનલ મુકાબલામાં હેલ્સે માત્ર 47 બોલમાં અણનમ 86 રન બનાવ્યા હતા.
- Advertisement -
ભારતને એ મેચમાં 10 વિકેટે શરમજનક હાર મળી હતી. જો કે ફાઈનલમાં હેલ્સનું બેટ ચાલ્યું ન્હોતું અને માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો પરંતુ તેની ટીમ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી.