ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરને મહાનગરપાલિકા જાહેર કરવાના મુદ્દે ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓના શોરનો અંત થયો છે. આજના સુશાસન દિવસ (25 ડિસેમ્બર) નિમિત્તે પોરબંદર છાંયા પાલિકાને મહાનગરપાલિકા જાહેર કરાશે તેવી ચર્ચા ઘણી તીવ્ર હતી. જો કે, મુખ્યમંત્રીએ આજના દિવસે પણ મહાનગરપાલિકા જાહેર કરવાની કોઈ જાહેરાત કરી ન હતી. નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા ફેબ્રુઆરી 2024માં વિધાનસભા ગૃહમાં પોરબંદર છાંયા પાલિકા માટે મહાનગરપાલિકા બનાવવાની પ્રાથમિક જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસ્તાવ અંતર્ગત રાણાવાવ સહિત પોરબંદર નજીકના 10 ગામોને મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરવા માટે પોરબંદર પાલિકા દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જુલાઈ 2024માં પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ નવી જનરલ બોર્ડ બેઠકમાં વધુ ચાર ગામો – જાવર, દિગ્વિજય ગઢ, વનાણા-વીરપુર અને રતનપરનો સમાવેશ કરવા નવો ઠરાવ રજૂ કર્યો. આ ઠરાવની બહાલી મળ્યા બાદ ઓગસ્ટમાં રાજ્ય સરકાર સમક્ષ મહાનગરપાલિકા જાહેર કરવાની દરખાસ્ત મોકલવામાં આવી. સુશાસન દિવસ નિમિત્તે મહાનગરપાલિકા જાહેર થવાની આશા સાથે પોરબંદર પાલિકા દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી હતી. પાલિકા પ્રમુખ અને કારોબારી સમિતિએ આ દિવસ માટે ખાસ બેઠક પણ યોજી હતી. પોરબંદરના વિકાસને લઈને મહત્વના મુદ્દાઓ અને પ્રશાસકીય યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.હવે, પોરબંદર પાલિકા દ્વારા સરકાર સમક્ષ ફરીથી દરખાસ્ત મૂકવામાં આવશે. 2024ના અંત સુધીમાં આ પ્રસ્તાવને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા અને શહેર સ્તરે ચર્ચાઓ થશે. પોરબંદર મહાનગરપાલિકા જાહેર થાય તે માટે પાલિકા અને લોકો બંનેની નજર હવે રાજ્ય સરકારના આગામી નિર્ણયો પર રહેશે.
- Advertisement -
મુખ્યમંત્રીએ જાહેરાત કેમ કરી નહીં?
હજુ સુધી પોરબંદરને મહાનગરપાલિકા જાહેર ન કરવાનું મુખ્ય કારણ રાજકીય અને વહીવટી કારણો હોઈ શકે છે. પોરબંદર,રાણાવાવ અને અન્ય કેટલાક ગામોમાં પ્રાથમિક સ્તરે અમુક અડચણો હોવાથી મહાનગરપાલિકા બનાવવાના ફાઈલને મંજૂરી ન મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.