1 ટ્રિલિયન ડોલરના પેકેજને મંજૂરી મળ્યા બાદ મસ્કે ડાન્સ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ટેસ્લાના શેરધારકોએ સીઇઓ ઈલોન મસ્ક માટે અત્યારસુધીના સૌથી મોટા વેતન પેકેજને મંજૂરી આપી છે, જેનું પેકેજ લગભગ 1 ટ્રિલિયન ડોલર (આશરે ₹83 લાખ કરોડ) છે. આ નિર્ણય સાથે મસ્ક વિશ્ર્વના પ્રથમ ટ્રિલિયનેર બનવાની રેસમાં જોડાયા છે, જોકે આ પેકેજ મેળવવા માટે મસ્કે કંપનીના ટાર્ગેટ પણ પૂરા કરવા પડશે, જેને મહત્તમ 10 વર્ષનો સમય આપવામાં આવ્યો છે.
ગુરુવારે કંપનીની વાર્ષિક બેઠકમાં 75%થી વધુ શેરધારકોએ પેકેજની તરફેણમાં મતદાન કર્યું. ત્યાર બાદ મસ્ક સ્ટેજ પર આવ્યા, ડાન્સ કર્યો અને કહ્યું… આપણે હવે ટેસ્લાના ભવિષ્યમાં ફક્ત એક નવો અધ્યાય જ નહીં, પણ એક નવું પુસ્તક પણ શરૂ કરી રહ્યા છીએ.
અહેવાલો અનુસાર, જો પ્રસ્તાવ નકારવામાં આવે તો મસ્ક સીઇઓ પદ છોડવાનું વિચારી શકે છે. મસ્કે શેરધારકોને પદ છોડવાની પણ ચેતવણી આપી હતી.
નોંધનીય છે કે, મસ્ક દ્વારા પેકેજની જાહેરાત બાદ ટેસ્લાના શેરમાં 1.8%નો વધારો થયો છે. આ વર્ષે અત્યારસુધીમાં કંપનીના શેરમાં 14%નો વધારો થયો છે. ટેસ્લાનું માર્કેટ કેપ આશરે 1.4 ટ્રિલિયન ડોલર (રૂ. 120 લાખ કરોડ) છે. તેના શેરની કિંમત 5445.91 ડોલર છે. ટેસ્લાના શેરમાં 78% રિટર્ન મળ્યું છે અને છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 62%નો વધારો થયો છે. ઓક્ટોબરની શરૂઆતમાં મસ્ક 500 બિલિયન ડોલરના આંકડે પહોંચનારી વિશ્ર્વની પ્રથમ વ્યક્તિ બન્યા હતા.
- Advertisement -
કંપનીએ મસ્ક માટે 12 ટાર્ગેટ નક્કી કર્યા
કંપનીએ મસ્ક માટે 12 ટાર્ગેટ નક્કી કર્યા છે. એમાંથી ચાર મુખ્ય છે: ટેસ્લાની માર્કેટ વેલ્યુ 2 ટ્રિલિયન ડોલર (₹177 લાખ કરોડ) સુધી વધારવી, આગામી 10 વર્ષમાં 20 મિલિયન (2 કરોડ) કાર પહોંચાડવી, કંપનીના કાર્યકારી નફામાં ત્રણ ગણો વધારો કરવો અને 10 લાખ રોબોટિક ટેક્સીઓ બનાવવી.
જો મસ્ક આ ટોર્ગેટ પૂરા કરે છે, તો તે વિશ્ર્વના પ્રથમ ટ્રિલિયનેર બની શકે છે, જોકે આમાં 10 વર્ષ જેટલો સમય લાગી શકે છે. જો મસ્ક ટેસ્લાના બધા ટાર્ગેટ પૂરા કરી શકે નહીં તોપણ તેમને નોંધપાત્ર પુરસ્કારો મળી શકે છે.
દરેક ટાર્ગેટ સાથે તેમનો પગાર વધતો જશે. કંપનીના એક સૂત્રના જણાવ્યા અનુસાર, જો તેઓ કંપનીની માર્કેટ વેલ્યુમાં 80% વધારો કરે છે, ગાડીનોનું વેચાણ બમણું કરે છે, નફો ત્રણ ગણો કરે છે અથવા આમાંથી કોઈપણ બે લક્ષ્યો પૂરા કરે છે, તો તેમને ટેસ્લાના 50 અબજ ડોલર (આશરે ₹4 લાખ કરોડ) મૂલ્યના શેર મળશે.



