ઈલેક્ટ્રિક લાઈનની કામગીરી પૂર્ણ થતાં બે દિવસથી ઈલેક્ટ્રિક માલવાહક ટ્રેનો શરૂ કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં રેલવે લાઇન ઉપર ઈલેક્ટ્રિક લાઈનનાં થાંભલા નાખવાનું કામ પૂરું થતા ટેસ્ટિંગ માટે ઇલેક્ટ્રિક ટ્રેનો શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી ઇલેક્ટ્રિક આધારિત માલવાહક ટ્રેનો દોડાવવામાં આવી રહી છે જો કે હજુ સુધી ઇલેક્ટ્રિક આધારિત પેસેન્જર ટ્રેનો શરૂ કરવામાં આવી નથી.
મોરબીમાં છેલ્લાં બે વર્ષથી રેલવે લાઇન ઉપર ઈલેક્ટ્રિક લાઈન નાખવાનું કામ ચાલુ હતું ત્યારે ઇલેક્ટ્રિક લાઇન નાખવાનું કામ પૂર્ણ થતાં થોડા સમય પહેલા ટેસ્ટિંગ માટે ટ્રેનો દોડાવવામાં આવી હતી અને બે દિવસથી ઇલેક્ટ્રિક પાવરથી માલવાહક ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ અંગે રેલવેના મેનેજર ધર્મન્દ્રકુમારના જણાવ્યા મુજબ ગત તા. 30 રોજ ઇલેક્ટ્રિક આધારિત માલવાહક ટ્રેનને મોરબીથી ટાઈલ્સ ભરીને ગુવાહાટી મોકલવામાં આવી હતી તેમજ માળીયાના લવણપુરથી મીઠું ભરીને એક માલવાહક ટ્રેન ગઈકાલે રવાના થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી રેલવે દ્વારા હવે ડીઝલથી દોડતી ટ્રેનોને ઇલેક્ટ્રિક પાવરમાં ક્ધવર્ટ કરવામાં આવી છે જેથી ડીઝલની બચત થશે પરંતુ હજુ લોકલ કે લાંબા અંતરની પેસેન્જર ટ્રેનોને ઇલેક્ટ્રિકમાં ક્ધવર્ટ કરવામાં આવી નથી.