મનોરંજન કાર્યક્રમ કે સમૂહ ભોજન નહીં થાય: ડોર ટુ ડોર સંપર્ક કરી શકશે, તા.1 ડિસેમ્બરે સવારના 8થી સાંજે 5 કલાક સુધી મતદાન
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલ તા.29ને મંગળવારના સાંજના 5 કલાકથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ આવતા પ્રચાર પડધમ શાંત થશે. વિધાનસભાની પ્રથમ તબકકાની ચૂંટણીનું મતદાન તા.1 ડિસેમ્બરના સવારના 8થી સાંજના 5 કલાક સુધી યોજાશે. આ મતદાન પુરુ થવાના સમય પહેલાના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવામાં આવેલો છે.ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની આગામી તા.1 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીના આડે હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા હોય મતદારોને રીઝવવા માટે ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી દીધુ છે. જો કે મતદારો હજુ નિરસ રહેતા ઉમેદવારો અને રાજકીય પક્ષોની ચિંતા વધી છે.
- Advertisement -
મતદાન વિસ્તારમાં મતદારોને આકર્ષવાની દ્દષ્ટિએ જાહેરમાં સંગીતનો જલસો, થીએટરનો કાર્યક્રમ, મનોરંજન કાર્યક્રમ કે સમૂહ ભોજન યોજવા માટેની વ્યવસ્થા કરી ચૂંટણી પ્રચાર પણ કાલે સાંજના પાંચ વાગ્યા બાદ કરી શકાશે નહીં. જો કે ઉમેદવારો અને રાજકીય પક્ષો ડોર ટુ ડોર કરી શકશે. આ માટે પણ ચૂંટણી પંચ દ્વારા ખાસ ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે જેમાં ડોર ટુ ડોર પ્રચાર કાર્ય માટે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યક્તિઓ જઈ શકશે. પક્ષના કાર્યકરો, નેતાઓ જેના પર પક્ષનું પ્રતિક હોય તેવી ટોપી મફલર પહેરી શકશે. પરંતુ તેઓ બેનર્સ પ્રદર્શિત કરી શકશે નહી.