12 માર્ચથી લાગુ થશે નવો ચાર્જ: ક્રૂડ ઓઈલ મોંઘું થતાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભાડામાં 15% વધારો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
- Advertisement -
મધ્ય પૂર્વમાં વધતા જતા ભૌગોલિક-રાજકીય તણાવ અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના સીધા સંઘર્ષની જ્વાળાઓ હવે સામાન્ય નાગરિકોના પ્રવાસ બજેટ સુધી પહોંચી ગઈ છે. એર ઇન્ડિયાએ આગામી 12 માર્ચથી તેની તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટો પર ₹399નો ફ્યુઅલ સરચાર્જ લાદવાનો જે નિર્ણય લીધો છે, તે માત્ર શરૂૂઆત માનવામાં આવી રહી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારતીય એરલાઇન્સે આંતરરાષ્ટ્રીય ભાડામાં આશરે 15% નો વધારો ઝીંકી દીધો છે, જે સૂચવે છે કે આગામી સમયમાં વિદેશ પ્રવાસ સામાન્ય મધ્યમ વર્ગના પહોંચની બહાર જઈ શકે છે. આ સંકટનું મુખ્ય કેન્દ્રબિંદુ હોર્મુઝ સ્ટ્રેટ છે, જે વિશ્ર્વના ક્રૂડ ઓઇલ સપ્લાય માટેની જીવનરેખા ગણાય છે. ત્યાં સર્જાયેલા વિક્ષેપને કારણે કાચા તેલના ભાવમાં અણધાર્યો ઉછાળો આવ્યો છે, જેણે વૈશ્ર્વિક એવિએશન ઉદ્યોગના પાયા હચમચાવી દીધા છે. નિષ્ણાતો આ વર્તમાન સ્થિતિને 1970ના દાયકાના ઐતિહાસિક ઓઇલ સંકટ સાથે સરખાવી રહ્યા છે. યુદ્ધ પૂર્વે જેટ ફ્યુઅલ (અઝઋ) ના ભાવ જે 85 થી 90 ડોલર પ્રતિ બેરલની આસપાસ સ્થિર હતા, તે હવે વધીને 150 થી 200 ડોલરની અત્યંત જોખમી સપાટીએ પહોંચી ગયા છે. 28 ફેબ્રુઆરીએ શરૂૂ થયેલા સંઘર્ષ બાદ ઓઇલની સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે, જેના કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં દરરોજ ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. એરલાઇન્સ કંપનીઓનું કહેવું છે કે તેમના કુલ ઓપરેશનલ ખર્ચમાં ઇંધણનો હિસ્સો 40% થી વધુ હોય છે, અને જ્યારે ઇંધણના ભાવ બમણા થઈ જાય, ત્યારે ભાડું વધાર્યા વગર કંપની ચલાવવી અશક્ય બની જાય છે. આ વૈશ્ર્વિક અરાજકતામાં એશિયન એરલાઇન્સ સૌથી વધુ જોખમમાં હોવાનું જણાય છે. યુરોપિયન કે અમેરિકન એરલાઇન્સ પાસે ઇંધણના ભાવને લાંબા ગાળા માટે ફિક્સ કરવાની ’ફ્યુઅલ હેજિંગ’ વ્યવસ્થા મજબૂત હોય છે, જ્યારે મોટાભાગની ભારતીય અને એશિયન કંપનીઓ આ સુવિધાના અભાવે સીધી જ બજારના ભાવના સંપર્કમાં આવે છે. સ્પાર્ટા કોમોડિટીઝના વિશ્ર્લેષકોના મતે, એવિએશન સેક્ટરમાં અત્યારે ગભરાટનો માહોલ છે કારણ કે ઘણી લો-કોસ્ટ એરલાઇન્સે અગાઉ સસ્તા ભાવે ટિકિટો વેચી દીધી હતી, પણ હવે તેમને તે જ ફ્લાઇટ ચલાવવા માટે બમણા ભાવનું ઇંધણ ખરીદવું પડી રહ્યું છે. વિયેતનામ જેવા દેશોમાં તો ભાડા 70% સુધી વધવાની ચેતવણી અપાઈ છે, જે સાબિત કરે છે કે આ સંકટ કેટલું વ્યાપક છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા જર્મન બેંક ડોયચે બેંકના એનાલિસ્ટ્સે ચેતવણી આપી છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે અને ઇંધણના ભાવ અંકુશમાં નહીં આવે, તો વિશ્ર્વભરમાં હજારો વિમાનો ગ્રાઉન્ડ થઈ શકે છે. નાની એરલાઇન્સ માટે આ સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે અને તેઓ દેવાળું ફૂંકે તેવી પણ શક્યતા છે. અત્યાર સુધીમાં મધ્ય પૂર્વના તણાવને કારણે 40,000 થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે, જે દર્શાવે છે કે એવિએશન ઉદ્યોગ અત્યારે બીજા વિશ્ર્વયુદ્ધ કે કોવિડ કાળ પછીના સૌથી મોટા અસ્તિત્વના જોખમ સામે લડી રહ્યો છે.



