અગાઉ પાંચ સમન્સમાંથી કેજરીવાલ એકમાં પણ હાજર થયા નથી
ખાસ-ખબર સંવાદદાતા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક્સાઇઝ નીતિ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને છઠ્ઠું સમન્સ જારી કર્યુ છે તેમ સત્તાવાર સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઇડીએ આ કેસમાં કેજરીવાલને પાંચ વખત સમન્સ જારી કર્યા છે પણ તેઓ અત્યાર સુધી એક પણ વખત ઇડી સમક્ષ હાજર થયા નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક 55 વર્ષીય કેજરીવાલને 19 ફેબ્રુઆરીના રોજ હાજર થવા જણાવવામાં આવ્યું છે.
આ અગાઉ દિલ્હીની કોર્ટે આ કેસમાં મોકલવામાં આવેલા સમન્સની અવગણના કરવા બદલ ઇડી દ્વારા દાખલ એક ફરિયાદ પર કાર્યવાહી કરતા ગયા સપ્તાહ કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ તેની સમક્ષ હાજર થવા જણાવ્યું હતું.
કોર્ટે જણાવ્યું હતું કે કેજરીવાલ આ આદેશનો પાલન કરવા માટે કાયદાકીય રીતે બાધ્ય છે. એજન્સીએ દાવો કર્યો છે કે કેજરીવાલ જાણીજોઇને દરેક સમન્સ વખતે હાજર થઇ રહ્યાં નથી.