- ગેરકાનુની ખાણ લીઝ પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ વિભાગે હવે મુખ્યમંત્રીને ભીંસમાં લીધા: ખાસ સાથી હાલ જેલમાં છે; સરકાર પર ‘જોખમ’
વિપક્ષ શાસનના વધુ એક રાજયમાં રાજકીય તોફાનના સંકેત છે. ગેરકાનુની ખાણ- લીઝ પ્રકરણમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને આવતીકાલે રાંચીમાં એન્ફોર્સમેન્ટ- ઓફિસ (ઈડી)માં પુછપરછ માટે હાજર રહેવા પાઠવવામાં આવ્યું છે અને ફરી એક વખત ભાજપ સહિતના વિપક્ષે આ પ્રકરણમાં સોરેનની સંડોવણીનો મુદો ઉભો કરી કાલે તેઓ ઈડી સમક્ષ હાજર થાય તે પુર્વે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આવે તેવી આગાહી કરી છે.
હેમંત સોરેનના અત્યંત નજીકના ગણાતા ઝારખંડ મુક્તિ મોરચાના એક વરિષ્ઠ નેતા પંકજ મિશ્રાની આ પ્રકરણમાં મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે અને ઈડીએ અગાઉ હેમંત સોરેનના નિવાસે દરોડા પાડીને એક બેન્ક પાસબુક તથા ચેકબુક જપ્ત કરી હતી. જે તેને આ પ્રકરણ સાથે સંડોવતી હોવાનું ઈડીએ તપાસમાં ખુલ્યું હોવાનું માનવામાં આવે છે.
- Advertisement -
પંકજ મિશ્રાની અગાઉ તા.19 જુલાઈના ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તે જયુડીશ્યલ કસ્ટડીમાં છે. શ્રી હેમંત સોરેન અને તેના ભાઈ તથા કુટુંબના સભ્યો સામે પણ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં તેમના કુટુંબીજનો સામે પણ ઈડીનો ગાળીયો કસાઈ શકે છે. હવે હેમંત સોરેન આ મુદે વધુ સમય માંગે છે કે પુછપરછ માટે હાજર હશે તેવા તેના પર નજર છે.
મુખ્યમંત્રી સોરેન પર ધારાસભ્યપદેથી ગેરલાયક ઠરવાની તલવાર હજું લટકે છે
ઓફિસ ઓફ પ્રોફીટ હેઠળ ચૂંટણીપંચે દોષિત માન્યા છે
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સામે વિધાનસભાના સભ્યપદેથી ગેરલાયક ઠરાવવાની તલવાર હજું લટકે છે. તેઓને ‘ઓફિસ ઓફ પ્રોફીટ’ હેઠળ ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરાવવા માટે ચૂંટણીપંચ દ્વારા રાજયપાલને ભલામણ કરવામાં આવી છે. જો કે રાજયપાલ શ્રી રમેશ બૈરાએ હજું આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.
શ્રી સોરેન સામે આક્ષેપ છે કે તેઓએ ખુદના અને ખુદના કુટુંબ માટે પત્થરના ખાણની લીઝ મેળવી હતી અને તેઓ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ હતી અને તે સાબીત માની શ્રી સોરેન સામે પગલા લેવા રાજયપાલને ભલામણ કરવામાં આવી હતી. ગત ઓગષ્ટ માસમાં આ ભલામણ થઈ હતી પણ હવે રાજયપાલ નિર્ણય લે તો સોરેનની મુશ્કેલી વધી શકે છે.