ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
‘તમે વ્યાપારી છો?
- Advertisement -
અમેરિકામાં કાયમ રહેવા નથી ઈચ્છતા, પણ ફક્ત બિઝનેસ કરવા માટે જ ત્યાં જવા ઈચ્છો છો? તો પછી તમારે અમેરિકાના વર્ષ 1990માં શરૂ કરવામાં આવેલ ‘ઈબી-5 બેઝિક પ્રોગ્રામ’ યા વર્ષ 1992માં દાખલ કરવામાં આવેલ ‘ઈબી-5 પાઈલોટ પ્રોગ્રામ’ હેઠળ કાં તો અમેરિકાના નવા બિઝનેસમાં જાતે દસ લાખ પચાસ હજાર યા આઠ લાખ ડોલરનું રોકાણ કરી, એ બિઝનેસમાં દસ અમેરિકનોને ફુલટાઈમ ડાયરેક્ટલી નોકરીમાં રાખીને, એ બિઝનેસ જાતે ચલાવવી જરૂર નથી. અમેરિકાના ઈમિગ્રેશન ખાતાએ માન્ય કરેલ રિજનલ સેન્ટરમાં પણ દસ લાખ પચાસ હજાર યા આઠ લાખ ડોલરનું રોકાણ કરવાની અને એ રિજનલ સેન્ટરે તમારા વતીથી તેઓ જે નવો બિઝનેસ કરી રહ્યા હોય એમાં એ પૈસાનું રોકાણ કરવાની તેમ જ દસ અમેરિકનોને ડાયરેક્ટલી યા ઈનડાયરેક્ટલી નોકરીમાં રાખવાની જરૂર નથી. તમે નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના જે આંતરકંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યુટિવ યા ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટેના ‘એલ-1’ વિઝા છે એ મેળવીને અમેરિકામાં બિઝનેસ કરી શકો છો. ઈબી-5 પ્રોગ્રામ હેઠળ કાં તો તમારે જાતે કોઈ નવો બિઝનેસ કરવાનો રહે છે અથવા તો અમેરિકાના ઈમિગ્રેશન ખાતાએ માન્ય કરેલ રિજનલ સેન્ટરમાં રોકાણ કરવાનું રહે છે. રોકાણની રકમ ‘એટ રિસ્ક’ એટલે કે ‘જોખમ’માં હોય છે. એ તમને પાછી મળશે કે નહીં એની કોઈ જ ગેરન્ટી નથી હોતી. રોકાણ કર્યા બાદ તમને અમેરિકામાં પ્રવેશવા માટે, ત્યાંનું ગ્રીનકાર્ડ મેળવવા માટે અને એ મળ્યા બાદ ત્યાં બિઝનેસ કરવા માટે બેથી ચાર વર્ષની વાટ જોવાની રહે છે. આમ છતાં પણ તમને જે ગ્રીનકાર્ડ આપવામાં આવે છે એ બે વર્ષની મુદતનું કન્ડિશનલ હોય છે. બે વર્ષ પૂરાં થાય એ પહેલાં તમારે ફરી પાછી અરજી કરીને ઈમિગ્રેશન ખાતાને ખાતરી કરાવી આપવી પડે છે કે તમે તમારું રોકાણ પાછું ખેંચી નથી લીધું.
તમે તમારી જાતે એ બિઝનેસ કર્યો છે અને એમાં દસ અમેરિકનોને ફુલટાઈમ નોકરીમાં રાખ્યા છે અથવા તો રિજનલ સેન્ટરે નવો બિઝનેસ શરૂ કર્યો છે અને એ બિઝનેસમાં તમારા વતીથી દસ અમેરિકનોને સીધી યા આડકતરી રીતે નોકરી અપાવી છે. આ અરજીનો નિકાલ આવતાં પણ ત્રણથી ચાર વર્ષ લાગે છે. ત્યાર બાદ જ રિજનલ સેન્ટર તમને તમારા રોકાણની રકમ પાછી આપે છે. તેઓ એ પાછી આપશે જ એવી કોઈ જ ગેરન્ટી નથી હોતી. રોકાણની રકમ ઉપર માંડ અડધોથી દોઢ ટકા જેટલું વાર્ષિક વ્યાજ કોઈક કોઈક જ રિજનલ સેન્ટર આપે છે. આ ઉપરાંત, તમારે રિજનલ સેન્ટરને સિત્તેર હજાર યા એથી થોડા વધુ ડોલર એમની એડ્મિનિસ્ટ્રેટિવ ફી તરીકે આપવાના રહે છે, જે રકમ પાછી નથી મળતી. પિટિશન ફાઈલ કરવા માટે એટર્નીઓ પણ વીસથી પચ્ચીસ હજાર ડોલર એમની ફી તરીકે લેતા હોય છે. અમેરિકાની સરકારને પણ ફાઈલિંગ ફી આપવાની રહે છે. અને અન્ય પરચૂરણ ખર્ચાઓ પણ થાય છે. તમે જો ફક્ત અમેરિકામાં બિઝનેસ કરવા માટે જવા ઈચ્છતા હોવ અને તમારો અમેરિકામાં કાયમ રહેવાનો ઈરાદો ન હોય, તમે ગ્રીનકાર્ડ મેળવવા ઈચ્છતા ન હોવ તો તમે આંતરકંપની ટ્રાન્સફરી એલ-1 વિઝા મેળવીને તમારી એ ઈચ્છા પૂરી કરી શકો છો. જો ભારતમાં તમારો બિઝનેસ સારો ચાલતો હોય એ બિઝનેસની તમે અમેરિકામાં શાખા ખોલો અથવા હોલિઓન સબસિડિયરી ખોલો કે પછી કોઈ અમેરિકન કંપની જોડે પાર્ટનરશિપ કરો, જેમાં તમારો ભાગ એકાવન ટકાથી વધારે હોય, તમે એ અમેરિકામાં ખોલેલ કંપનીમાં તમારી ભારતની કંપનીમાં જેણે છેલ્લાં ત્રણ વર્ષમાં ઓછામાં ઓછું એક વર્ષ મેનેજર, એક્ઝિક્યુટિવ યા ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે કામ કર્યું હોય એને અમેરિકામાં ખોલેલ કંપનીમાં એ જ પોઝિશન ઉપર કામ કરવા મોકલી શકો છો. મેનેજર અને એક્ઝિક્યુટિવને સાત વર્ષ સુધી અમેરિકામાં રહેવા દેવામાં આવે છે. જ્યારે ખાસ જાણકારીવાળી વ્યક્તિ માટે સમયમર્યાદા પાંચ વર્ષની હોય છે. આ લોકો એમની પત્ની યા પતિ, એકવીસ વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનોને પણ ડિપેન્ડન્ટ ‘એલ-2’ વિઝા ઉપર અમેરિકામાં પોતાની સાથે રહેવા આમંત્રી શકે છે અને તેઓ જો ઈચ્છે તો પરવાનગી મેળવીને અમેરિકામાં કામ કરી શકે છે અને ભણી પણ શકે છે. ભારતીય કંપનીએ જે અમેરિકન કંપની ખોલી હોય છે એ અમેરિકન કંપની એ મેનેજરો, એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટે એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન પણ દાખલ કરી શકે છે.
ભારતીય કંપની ભારતમાં જે બિઝનેસ કરતી હોય એ બિઝનેસ જ એમણે અમેરિકામાં ખોલેલ કંપનીમાં કરવો જોઈએ એવી કોઈ જરૂરિયાત નથી. જરૂરિયાત ફક્ત એટલી છે કે અમેરિકામાં ખોલ્યા બાદ ભારતનો બિઝનેસ બંધ કરી દેવો ન જોઈએ. નહીં તો એલ-1 વિઝા આપોઆપ રદ થઈ જશે. આમ જોવા જઈએ તો જો તમારી ઈચ્છા ગ્રીનકાર્ડ મેળવવાની ન હોય, અમેરિકામાં કાયમ રહેવાની ન હોય તો ‘ઈબી-5 પ્રોગ્રામ’ને હેઠળ મળતાં ગ્રીનકાર્ડને બદલે એલ-1 વિઝા દ્વારા અમેરિકામાં કામ કરવાની જે તક ઉપલબ્ધ થાય છે એ વધુ યોગ્ય છે. એલ-1 વિઝા મેળવવા માટે અમુક રકમ જ અમેરિકામાં ઈન્વેસ્ટ કરવી જોઈએ એવું કોઈ જ બંધન નથી. એલ-1 વિઝા મેળવનાર બિઝનેસ તમારો જ હોય છે. એટલે તમારે એડ્મિનિસ્ટ્રેટિવ ફી આપવાની પણ જરૂરિયાત નથી હોતી. આમ જેઓ અમેરિકામાં બિઝનેસ કરવા ઈચ્છતા હોય એમના માટે ઈબી-5 પ્રોગ્રમ કરતાં એલ-1 વિઝા વધુ લાભકારક છે. પણ તમે અમેરિકામાં કાયમ રહેવા ઈચ્છતા હોવ અને ગ્રીનકાર્ડ મેળવવા ચાહતા હોવ અને ત્યાર બાદ અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કરવા ચાહતા હોવ તો તમારે ઈબી-5 પ્રેાગ્રામ હેઠળ રોકાણ કરવું જોઈએ. તમને શું જોઈએ છે એ તમે જાતે નક્કી કરો અને ત્યાર બાદ તમારે માટે જે યોગ્ય હોય ઈબી-5 પ્રોગ્રામ યા એલ-1 વિઝા એ મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરો.