રાજકોટનાં અનેક નાગરિકોને થતો કડવો અનુભવ
સતત બે દિવસ સુધી એક સ્થળનો, એક જ ફોટો સાથે મેમો આવ્યો: વાસ્તવમાં તો ગાડીમાં કાળા કાચ હતાં જ નહીં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં આઈ-વે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ત્યારે તેનો ઉદ્દેશ્ર્ય જાહેરમાં બનતા ગુનાઓ અટકવવા અને નાસી છૂટતા આરોપીઓને પકડી પાડવાનો હતો. જાહેરમાં કોઈ ગુનો આચરે અને ગુનેગાર ભાગે તો સીસીટીવીથી પકડી શકાય તેવા ઉદેશ્ર્ય સાથે શરૂ થયેલો આઈવે પ્રોજેક્ટ હવે માત્ર વાહનચાલકોને દંડ ફટકારવા માટે જ હોય એવું લાગી રહ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા આઈવે પ્રોજેક્ટના કેમેરાની મદદથી ધડાધડ મેમો ફટકારી લાખો-કરોડોનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે ત્યારે આઈવે પ્રોજેક્ટના સીસીટીવી કેમરા મારફતે વાહનચાલકને એકને એક મેમો તારીખ બદલાવી બે વાર દંડ ફટકારવાનું ધ્યાનમાં આવ્યું છે.
બનાવની વિગત અનુસાર રાજકોટના એક વાહનચાલકને સૌપ્રથમ તા. 12/12/2024ના દિવસે બપોરે 12 વાગ્યે 48 મિનિટે અને 21 સેકેન્ડે ટ્રાફિક નિયમ ભંગ બદલ ઈ-મેમો મોકલાયો હતો ત્યારબાદ ફરી તા. 13/12/2024ના દિવસે બપોરે 12 વાગ્યે 48 મિનિટે અને 23 સેકેન્ડે નિયમ ભંગ બદલ ઈ-મેમો મોકયાયો હતો. હકીકતમાં બંને ઈ-મેમોમાં ટ્રાફિક નિયમ ભંગ બદલના સ્થળ અને સમય સરખા છે, ફક્ત પ્રથમ ઈ-મેમોમાં 12 તારીખ લખેલી છે અને બીજા ઈ-મેમોમાં 13 તારીખ લખેલી છે. અલબત્ત 12 ડિસેમ્બરે વાહન કે સ્થળે ગયું હતું ત્યારબાદ 13 ડિસેમ્બરે વાહન એ સ્થળ પર ગયું જ નથી તો પણ 12 ડિસેમ્બરના ઈમેમોમાં 13 ડિસેમ્બર તારીખ નાખી વાહનચાલકને ઈ-મેમો મોકલી દેવાયો છે.
- Advertisement -
આ અંગે વાહનચાલક જ્યારે ઈમેમો ભરવા કચેરીએ પહોંચ્યા ત્યારે ટ્રાફિક પોલીસ પણ એક સરખા ઈ-મેમો જોઈ થોડીવાર અચંબામાં પડી ગઈ હતી અને તેમણે હમણાં આ ઈ-મેમો ન ભરવા સૂચવ્યું હતું. હવે ટ્રાફિક પોલીસ દ્વારા મોકલાયેલા ઈ-મેમો ટેક્નિકલ ભૂલ હોય કે માનવસર્જિત ક્ષતિ હોય પરંતુ આ કારણે વાહનચાલકને હેરાનગતિ થઈ છે અને તેમના વાહન પર અત્યારે બે-બે ઈ-મેમો બાકી બોલી રહ્યા છે. આગામી સમયમાં ટ્રાફિક પોલીસ પૂર્ણ તપાસ કરી તેમના દ્વારા મોકલેલા ભૂલગ્રસ્ત ઈ-મેમો રદ્દ કરે તેવી વાહનચાલકની માગણી છે.