વર્ષોની રજૂઆતો છતાં પાલિકા તંત્ર ‘કાગળની કાર્યવાહી’થી આગળ વધતું નથી, અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહીની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઓખા નગરપાલિકાની પેટા કચેરી સુરજકરાડીના પટાંગણમાં વર્ષોથી ઊભેલાં જર્જરિત બાંધકામો નાગરિકોના માથે “આફતનું ઘેરું” બનીને ઊભાં છે. અનેક લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પાલિકા તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી કરી રહ્યું છે અને નક્કર પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 260 થી 268 મુજબ મુખ્ય અધિકારી અને બાંધકામ વિભાગની સીધી ફરજ છે કે આવા જોખમી બાંધકામો સામે તાત્કાલિક પગલાં લે. તેમ છતાં, પાલિકા વર્ષોથી આ જવાબદારી નિભાવી રહી નથી. હાઈકોર્ટના ચુકાદાઓ પણ નાગરિકોની સુરક્ષા જાળવવાની ફરજ પર ભાર મૂકે છે, છતાં ઓખા પાલિકા આ મામલે ઉદાસીનતા દાખવી રહી છે.
જનતા કટાક્ષમાં સવાલ ઉઠાવી રહી છે કે, “અધિકારીઓના રૂમોમાં એસી ચાલે છે, પણ નાગરિકો પર છત ક્યારે તૂટી પડશે એની રાહ જોવાય છે?” નાગરિકોએ માગણી કરી છે કે, તમામ જર્જરિત ઇમારતોને તાત્કાલિક તોડી પાડવામાં આવે અથવા સમારકામ કરવામાં આવે, નોટિસ બાદ પણ અમલ ન કરનારા વિભાગ પર કડક પગલાં લેવાય અને જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવે. જો આ મામલે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં થતી કોઈપણ જાનહાનિ માટે સીધી કાનૂની જવાબદારી ઓખા નગરપાલિકા અને સંબંધિત અધિકારીઓની રહેશે.
- Advertisement -
જોખમી બાંધકામોની યાદી:
પાણી પુરવઠા વિભાગનો સ્ટોર રૂમ: ઉત્તર દિશામાં આવેલો આ સ્ટોર રૂમ એક વર્ષ કરતાં વધુ સમયથી જર્જરિત હાલતમાં છે.
બે માળની દુકાનો: દક્ષિણ દિશામાં આવેલી આ દુકાનોના રવેસ તૂટેલા છે અને તે અત્યંત ખતરનાક હાલતમાં છે. આશ્ચર્યની વાત એ છે કે, પાલિકાના વાહનો અહીં પાર્ક થાય છે અને આરોગ્ય કેન્દ્ર પણ આ જ બિલ્ડિંગમાં કાર્યરત છે.
આરોગ્ય વિભાગનો રૂમ: પશ્ચિમ દિશામાં આવેલો આ રૂમ અને તેની બાજુમાં આવેલું જાહેર શૌચાલય પણ જર્જરિત છે. નોટિસ આપ્યા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.



