કોન્ટ્રાકટરો ભ્રષ્ટાચાર આચરી પૂર્ણ રૂપે બિલ લઇ કામ અધૂરું મુકી નાસી ગયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દરેક ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા રહીશોને પોતાના ઘર આંગણે આરોગ્યની ઉત્તમ સેવા મળી રહે તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં સબ સેન્ટરો ખોલવામાં આવ્યા છે જેમાં દર્દીઓને પ્રાથમિક સારવાર સહિતની સુવિધા વિનામૂલ્યે મળી રહે છે.
પરંતુ ધ્રાંગધ્રા તાલુકાના ત્રણ ગામોને સબ સેન્ટરો મળવા છતાં સ્થાનિક ગ્રામજનોને આ સબ સેન્ટરનો લાભ મળ્યો નથી. ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ, રતનપર અને રાવળીયાવદર ગામમાં આજથી બે વર્ષ પૂર્વે સબ સેન્ટર નિર્માણ કરવાનું કામ શરૂ થયું હતું જે ઇમારત નિર્માણ કામગીરી હાથ ધરાઇ તે સમયે જ કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર પાયા પર સબ સેન્ટરની ઇમારત ઊભી કરવામાં આવી હતી.
- Advertisement -
એટલું જ નહિ પરંતુ આ સબ સેન્ટરનું નિર્માણ કામ પૂર્ણ થાય તે પૂર્વે જ કોન્ટ્રાકટર કામ અધૂરું છોડી નાશી છૂટયા હતા જેને લગભગ ત્રણ વર્ષ જેટલો સમય વિતી ગયો છતાં આજદિન સુધી આ સબ સેન્ટર પૂર્ણ રૂપે નિર્માણ થયા નથી જેને લીધે ગ્રામજનોને કોઈપણ સામાન્ય સારવાર માટે ધ્રાંગધ્રા સુધીના ધક્કા ખાવા પડે છે.
ત્યારે વર્ષોથી સબ સેન્ટરના નિર્માણની રાહ જોઈને બેઠેલા ત્રણ ગામના રહીશો હવે અધૂરા કામથી ખંડેર બનેલા સબ સેન્ટરને પૂર્ણ કરી લોકો માટે ખુલ્લા મૂકવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠાવી છે. ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે સબ સેન્ટર હજુ કાર્યરત પણ નથી થયું ત્યાં તો અંદરની દુવલ પણ ધારસહી થઈ ચૂકી છે જેથી અધૂરા સબ સેન્ટરમાં કેટલો ભ્રષ્ટાચાર આચાર્યો હશે તેનો અંદાજો અહી લગાવી શકાય છે. રતનપર, ગાજણવાવ તથા રાવળીયાવદર ગામે ત્રણ વર્ષ પૂર્વે શરૂ કરેલ સબ સેન્ટર નિર્માણ કાર્ય સમયે જે તે કોન્ટ્રાકટર દ્વારા જેટલું પણ કામ કર્યું તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરી પૂર્ણ રૂપે બિલ ખંખેરી બાદમાં સબ સેન્ટરને અધૂરા છોડી નાશી ગયા છતાં તંત્રે આજદિન સુધી કોન્ટ્રાકટર સામે કોઈ પગલાં લીધા નથી કે આ કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરાયા નથી.