ધ્વજારોહણ સમિતિ દ્વારા કિશોરસિંહજી સ્કૂલ, કોઠારીયા નાકાથી ધ્વજાયાત્રા નીકળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
પવિત્ર શ્રાવણ ચાલી રહ્યો છે, દરેક જીવ શિવમય બની ગયા છે, ઠેર ઠેર શિવમંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. રાજકોટના રામનાથપરા વિસ્તારમાં અનેક મંદિરો આવેલ છે તેમાં રાજકોટના રાજા સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ પણ બિરાજમાન છે. જે આજી નદીના પટમાં આશરે 400 વર્ષથી બિરાજે છે. શ્રાવણ માસ દરમિયાન લાખો ભાવિકો દાદાના દર્શન કરી મન પવિત્ર કરી આત્માનું કલ્યાણ કરે છે તો આવા કૃપાળુ રામનાથ મહાદેવને, શ્રી રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિ દ્વારા સતત 17 વર્ષ થયા વાજતે-ગાજતે રામનાથ મહાદેવને ધ્વજારોહણ કરવામાં આવે છે. જેની શરૂઆત 17 વર્ષ પૂર્વે સ્વ. બકુલભાઈ વોરાએ કરેલ હતી. તે યાત્રા આ વર્ષે પણ રાખવામાં આવેલી છે. તા. 17-8 શનિવારના રોજ રાત્રે 9-00 કલાકે ધ્વજારોહણ સમિતિ દ્વારા કિશોરસિંહજી સ્કૂલ, કોઠારીયા નાકાથી વાજતે-ગાજતે ધ્વજાયાત્રા રાખેલી છે, જે યાત્રા પણ સામાજિક સમરસતાના માધ્યમ સાથે દલિત સમાજ તથા વાલ્મીકિ સમાજના બહેનો દ્વારા દાદાની ધ્વજા માથે ચડાવી શરૂઆત કરે છે. યાત્રાની અંદર અંદાજે એકાવન કરતાં વધારે સામાજિક સંસ્થાઓ તથા અનેકવિધ સમાજ પણ સાથે જોડાય છે, આમ રામનાથપરાના દરેક રહેવાસી આ યાત્રામાં જોડાઈને પોતાને નસીબદાર ગણે છે. યાત્રા એકદમ શિસ્ત સાથે નીકળે છે. આગળ હિન્દુ સંસ્કૃતિનું ચિન્હ ભગવા ધ્વજની આગેવાનીમાં યાત્રાની શરૂઆત થાય છે.
- Advertisement -
યાત્રાની અંદર આવતા દરેક વ્યક્તિ ધર્મધ્વજની પાછળ ચાલીને યાત્રા સંપન્ન કરે છે. યાત્રામાં ડી.જે.નું પણ આકર્ષણ રાખવામાં આવે છે જેમાં શિવજીના ભજનો વગાડવામાં આવે છે. યાત્રાના આકર્ષક બનાવવા માટે ભરવાડ સમાજના યુવાનો લાઠીદાવ કરે તે મુખ્ય આકર્ષણ જોવા મળે છે. યાત્રા કિશોરસિંહજી સ્કૂલથી શરૂ થઈ ગરુડ ગરબી ચોકથી રામનાથપરા મેઈન રોડ પરથી પસાર થઈ રામનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થશે. આ રસ્તામાં ઠેર ઠેર ધ્વજાયાત્રાનું બડા બજરંગ ફાઉન્ડેશન તેમજ તેના તમામ સભ્યો, ગરુડ ગરબી મંડળ, ભરવાડ સમાજ, રાજપૂત સમાજ, ઓડ સમાજ, કોળી સમાજ વગેરે સમાજ અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા હર્ષભેર સ્વાગત કરવામાં આવશે. આ યાત્રાને સફળ બનાવવા માટે કોર કમિટીનું આયોજન કરેલું છે જેમાં ભરતભાઈ ત્રિવેદી, વિનય જોષી, કિરીટભાઈ પાંધી, ભરતભાઈ મહેતા, વિજયભાઈ પુનવાણીનો સમાવેશ થાય છે.
‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાત કલ્પેશ ગમારા, યશ રાઠોડ, વિનય જોષી, રાજુ ભરવાડ, મીત ગોસ્વામી, જયેશ રામાવત, જેરામ અંદોદરીયા, પ્રતીક કાપડીયા, રાહુલ ભીમાણી, મીત ખખ્ખર, પાર્થ કાપડી, પ્રણવ દવેએ લીધી હતી.