અમદાવાદ બાદ સુરતમાં નબીરાના પાપે મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ બનેલા નબીરાએ ત્રણ બાઈક ચાલકો અને રાહદારીઓને ઠોકરે લીધા હતા. બાઇક ચાલકને 20 ફૂટ સુધી ઢસડ્યાં હોવાનું પણ સામે આવ્યું છે.
રાજ્યમાં બેફામ બની વાહન ચલાવતા નબીરાઓના પાપે જાણે માર્ગો પર મોત ઘૂમતું હોય તેવી સ્થિતિ સર્જાય છે. મોટા શહેરોમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદના તથ્યકાંડ બાફ હવે સુરતમાં અકસ્માતની ઘટના સામે આવતા ચકચાર મચી છે. સુરતના કાપોદ્રામાં રાત્રે નબીરાએ બેફામ સ્પીડે GJ 05 RN 9995 નંબરની સ્વીફ્ટ કાર ચલાવી 5 લોકોને લીધા અડફેટે અકસ્માત સર્જાયો હતો. મહત્વનું છે કે સ્નેહમુદ્રા સોસાયટી પાસે રાત્રે કારચાલક બેફામ બન્યો હતો.
- Advertisement -
3 બાઈક સવાર અને 2 રાહદારીને અડફેટે લીધા હતા
વાયુ વેગે કાર ચલાવી સુરતમાં સાજન ઉર્ફે સન્ની પટેલે 3 બાઈક સવાર અને 2 રાહદારીને અડફેટે લીધા હતા. જેને લઈને અફરાતફરી સર્જાઈ હતી. એટલું જ નહીં બાઈક ચાલકને 20 ફૂટ સુધી ઢસડ્યા બાદ કાર રોકાતા રૂવાટા ઉભા થઇ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં વિવેક અને કિશન હીરપરા તથા ઋષિત અને યશ નામના યુવાનોને ગંભીર ઈજા થવા પામી હતી. આરોપીએ નીતિની નિયમ નેવે મૂકી BRTS રૂટમાં ઓવરસ્પિડમાં કાર ચલાવી અકસ્માત સર્જયો હતો. આરોપી કારના ચાલકે એક બાદ એક ત્રણ બાઈક ચાલકને અડફેટે લીધા હતા. બાદમાં કારની એરબેગ્સ ખુલી ગઈ હતી.
ઈજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા
બીજી બાજુ આરોપો કાર ચાલક દારૂના નશામાં હોવાની પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે. લોકોએ કાર ચાલકને બહાર કાઢી બરાબરનો મેથી પાક પણ ચખાડ્યો હતો અને ઈજાગ્રસ્તોને તાબડતોબ નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉપરાંત કાર ચાલકને પણ ઇજા થતાં તેને પણ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.
- Advertisement -
અમદાવાદમાં બન્યો હતો ચોંકાવનારો અકસ્માત
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતની ઘટનાને પગલે રાજ્ય આખું હચમચી ગયું છે.19 જુલાઈનાં રોજ શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી.