ડ્રગ પેડલર સુધા ધામેલિયાનાં પ્રકરણ પછી સપાટી પર આવ્યા અનેક સવાલો
શહેરનાં યુવાધનને બરબાદ કરતાં ડ્રગ્સનાં દલાલો કૉલેજની આસપાસ વેપલો માંડીને ધૂમ રૂપિયા રળે છે
રાજકોટમાં ગઈકાલે સુધા ધામેલિયા નામની કુખ્યાત ડ્રગ્સ પેડલરનાં ત્રાસથી કંટાળીને એક યુવાને આત્મહત્યા કરી લીધી છે. સુધા ધામેલિયા અગાઉ પણ ડ્રગ્સ, ગાંજો, દારૂ સહિતનાં નશીલા પદાર્થોનાં વેચાણમાં પકડાઈ ચૂકી છે. થોડા સમયમાં જ જેલમાંથી છૂટી તેણે પોતાનાં ગોરખધંધા ફરી શરૂ કરી દીધા છે ત્યારે રાજકોટ શહેરમાં યુવાઓને બરબાદ કરતા સુધા ધામેલિયા સહિતનાં ડ્રગ્સ પેડલરો પર પોલીસે ગંભીર ગુનાની કલમો નોંધીને તેમને કાયમી ધોરણે જેલ હવાલે કરી યુવાઓને બરબાદ થતાં બચાવવા જરૂરી છે. ડ્રગ્સ અને આલ્કોહોલ જેવા પદાર્થો વ્યક્તિગત બરબાદી નોતરવા ઉપરાંત લાંબાગાળે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડનાર છે. નશીલા પદાર્થ સ્વાસ્થ્ય ઉપરાંત સામાજિક પ્રતિષ્ઠા અને આર્થિક પાયમાલી માટે કેટલાં જોખમી છે એ જાણ હોવા છતાં આજનું યુવાધન તમાકું, દારૂ, અફીણ, ચરસ, ડ્રગ્સ, ગાંજો જેવી કુટેવો તરફ ધકેલાઈ રહ્યું છે. ખાસ કરીને રાજકોટમાં છેલ્લા કેટલાંક સમયથી યુવાનોમાં ડ્રગ્સનાં સેવનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. હવે તો રાજકોટનાં યુવાનો નાની એવી ઉજાણી પણ આલ્કોહોલથી કરતા થયા છે ત્યારે દારૂ જેવો નશીલો પદાર્થ સામાન્ય બની હવે ગાંજો અને એમડી જેવા નશીલા પદાર્થો રાજકોટનાં યુવાનોનું રોજીંદુ વ્યસન બની ગયું છે.
- Advertisement -
યુવાનોને બચાવવા ડ્રગ્સ પેડલરને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કાયમી જેલમાં પૂરી દેવા જોઈએ
ગુજરાતના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં કેફી અને નશાકારક દ્રવ્યોના વેપારને નાથવા સુરક્ષા વિભાગ કટીબધ્ધ છે. રાજ્યના યુવાનોને કેફી દ્રવ્યોના નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફીનાશક દ્રવ્યોના પેડલરોને નેસ્તનાબુદ કરવાના મક્કમ નિર્ધાર સાથે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઉમદા કામગીરી કરી બતાવી છે આમ છતાં પણ હજુ રાજકોટ જેવા શહેરોમાં ડ્રગ્સનું વેંચાણ અને સેવન થઈ રહ્યું છે એટલું જ નહીં પરંતુ ડ્રગ્સ પેડલરો પોલીસની પકડમાં આવ્યા બાદ જામીન પર છૂટી ફરી ડ્રગ્સનું વેંચાણ શરૂ કરી દીધું છે. ગૃહરાજયપ્રધાન હર્ષ સંઘવીએ ડ્રગ્સ પેડલરો મતલબ કે ડ્રગ્સની હેરાફેરી કરનારાઓને કાયમી જેલમાં પુરી દેવા જોશે. યુવાધનને બચાવવા ડ્રગ્સ પેડલરો પર કાયદાનો કડક સંકજો ગુજરાત સરકાર અને ગૃહવિભાગે કસવો જોશે.

ગાંધીગ્રામ વિસ્તારમાં એક 10 વર્ષનો બાળક ડ્રગ્સનાં રવાડે
ખાસ-ખબરને મળેલી ચોંકાવનારી વિગત મુજબ રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા એક સામાન્ય પરિવારનો દસ વર્ષનો બાળક નશાના રવાડે ચડી ગયો છે. માત્ર દસ વર્ષનો બાળક ડ્રગ્સના રવાડે ચડ્યા બાદ તેના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. ઘર, પરિવાર અને સમાજમાં પણ આ પરિવારને ઘણું સાંભળવું-ભોગવવું પડ્યું છે. બાળકના માતા-પિતા પણ માનસિક તણાવમાં આવી ગયા છે ઉપરાંત ડ્રગ્સના રવાડે ચડી જનાર બાળકની સ્થિતિ પણ કફોડી બની છે.
- Advertisement -
રાજકોટનાં યુવાનો ડ્રગ્સનાં ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે
આ પ્રકારનાં નશીલા પદાર્થોના સેવન કરતા યુવાનોનું કહેવું છે કે, હવે તો પાન-માવા નાના છોકરાઓને ખાવાની વસ્તુ છે. અસલી મર્દ તો ગાંજો ફૂંકે! ચરસ સૂંઘે! પરંતુ નશીલા પદાર્થની લપેટમાં આવી ગયેલા આ યુવાનોને ખબર નથી હોતી કે આ પદાર્થો તેમને નપુસંક બનાવી અનેક રોગનો શિકાર બનાવી શકે છે. રોજ સાંજ પડતાની સાથે રાજકોટનાં મોટાભાગનાં યુવાનો ખુલ્લા મેદાનો, કોલેજ પાસે, હાઈવે પર, બગીચાઓમાં, ભાડાંનાં મકાનોમાં, પાનની દુકાનો કે ચાની કિટલી પર સિગારેટ પીતા જોવા મળે તો એવું ન સમજવું કે તે માત્ર સિગારેટ પી રહ્યા છે. મોટાભાગે તે સિગારેટની અંદર નશીલા દ્રવ્યો ભેળવેલા હોય છે. જી.. હા. રાજકોટનાં કાલાવડ રોડ અંડરબ્રીજ ઉપર આવેલા મહિલા કોલેજ પાસેનાં વિશાળ મેદાનમાં, રેસકોર્ષમાં કે પછી મોટાભાગની પાનની દુકાનો અને ચાની કિટલીઓ પર તેમજ આત્મિય, મારવાડી, આર.કે. અને વીવીપી જેવી કોલેજો-યુનિ. પાસે બાપ કમાઈ બાબુડાઓ અને બેબોગર્લ્સ બિન્દાસ સિગારેટનાં ઊંડા કશ લેવા જોવા મળે છે. જે સિગારેટમાં ગાંજો જેવા નશીલા પદાર્થ ભેળવેલા હોય છે. આ બધું જ જાહેરમાં ગુપચુપ રીતે થતું હોય છે અને પોલીસ મુકદર્શક બની નિહાળતી અને હપ્તાઓ ઉઘરાવતી રહે છે. જો આ અંગે કડક પગલા લઈ ઘટતું કરવામાં આવશે નહીં તો નજીકનાં દિવસોમાં નશીલા દ્રવ્યો યુવાનોને ભરખી સમાજને ખત્મ કરી દેશે એ નક્કી છે. આજકાલ રાજકોટનાં યુવાનોમાં ગાંજો, ડ્રગ્સ, ચરસ, હેરોઈન, કોકેઇન જેવા પદાર્થોની ભારે માંગણી છે. જેમાં ખાસ કરીને યુવાનોની પહેલી પસંદ સસ્તા અને સારા ગાંજો અને એમડી છે. ગાંજાને સિગારેટમાં ભેળવીને સેવન કરવામાં આવે છે જ્યાંરે સફેદ પાવડર જેવાં એમડીને પાન મસાલામાં ભેળવીને ખાવામાં આવે છે. યુવાનોને નશીલા પદાર્થનાં વ્યસની બનાવવા માટે રાજકોટ જેવાં મોટાં શહેરોના યુવાનો ડ્રગ્સની લતે ચડે તે માટે ચોક્કસ મોડસ ઓપરેન્ડી દ્વારા ડ્રગ માફિયાઓ તેમને આયોજનબદ્ધ રીતે નશીલા પદાર્થનાં બંધાણી બનાવે છે. શરૂઆતમાં આ નશીલા પદાર્થનો ર00થી રપ0 રૂપિયા સુધીનો ભાવ વસૂલવામાં આવે છે. ત્યારબાદ વ્યક્તિ તેનો પાક્કો બંધાણી થઈ જતા શરૂઆતમાં 200-250 રૂપિયામાં મળતા નશીલા પદાર્થનો ભાવ સીધો 500-1000 રૂપિયા કરી દેવામાં આવે છે. ધીમેધીમે ગાંજાનાં બંધાણીઓ એક હજાર રૂપિયા દસ ગ્રામ સુધી ગાંજો લઈ ફૂંકતા જોવા મળે છે. જે નશીલા પદાર્થનાં સેવનની આદત ખુદ પર કેટલી હાવી થઈ ગઈ છે તેની સાબિતી આપે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ડ્રગ્સ એડિક્શનને સિરિયસ ડિસિસ માન્યો છે. કોઈપણ નશીલા પદાર્થનાં વ્યસનથી મેરેજ લાઇફ, ફેમિલી લાઇફ, રિલેશનશિપ, એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ, હેલ્થ, પર્સનાલિટી, ફાયનાન્સિયલ ઇશ્યૂ, લો એન્ડ ઓર્ડર પર પણ ઇફેક્ટ કરે છે. આ સિવાય ડ્રગ્સ એડિકશનનાં કારણે અનેક અવગુણો જન્મે છે. ક્રાઈમ પણ થાય છે. માતા-પિતા પોતાના સંતાનો આવા નશીલા પદાર્થનાં સેવન કરતાં હોવાનું કે બંધાણી બની ગયાનું સપનાંમાં પણ વિચારી નથી શકતા હોતા પરંતુ હકીકત જ્યારે સામે આવે છે ત્યારે સમાજની બીક અને સંતાનોનાં પ્રેમ આગળ તેઓ જૂકી જાય છે. આમ ક્યારેક માતા-પિતા સંતાનોને વધુ પડતી છૂટછાટ આપવાના કારણ અને પોલીસની ઢીલી નીતિઓથી યુવાનોને જોઈતું મળી જતું હોય છે. રાજકોટમાં દિન-પ્રતિદિન વધતા જતા નશીલા પદાર્થોનાં યુવાન બંધાણીઓને કાબુમાં લઈ વાલીઓ અને પોલીસેએ જાગૃત બનવાની જરૂર વર્તાય રહી છે ખાસ કરીને ગૃહરાજયપ્રધાન હર્ષ સંઘવીએ આ અંગે ઘટતું કરવાની જરૂર છે.


