ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અંકલેશ્ર્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂરઝડપે પસાર થઈ રહેલ કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું.
- Advertisement -
ભાવનગરના 3 યુવાનો કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનારા તમામ યુવાન ભાવનગરના રહીશ છે. મૃતકોમાં મહાવીર પ્રદીપભાઈ અગ્રવાલ (ઉ.20, અર્બન સોસાયટી, ભરતનગર ભાવનગર), મિતેષ ચાવડા (ઉ.20, ભરતનગર, ભાવનગર) અને ચેતન ભરત ભટ્ટી (ઉ.26, સ્ટેશન ચોક ભાવનગર)નો સમાવેશ થાય છે. ઉક્ત ઘટનાના પગલે મૃતકોનાં પરીવારજનોમાં ઘેરો શોક છે.
કારમાં સવાર 3નાં મોત નીપજ્યાં છે અને આ ત્રણેય યુવાનો 22-25 વર્ષની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતાં જ મૃતકોનો પરિવાર ભાવનગરથી ભરૂચ આવવા નીકળ્યો છે. 3 પૈકી 1 યુવાનની સગાઈ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.