તમામ પરિસ્થિતિઓ અને વિવિધ રોગોને ધ્યાનમાં રાખીને ફ્લુડ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેની તલસ્પર્શી માહિતી આપતું તબીબો માટેનું દેશનું નહીં પણ વિશ્ર્વનું પહેલું અને એકમાત્ર પુસ્તક
ડૉકટરો માટેના એક લાખથી વધુ નકલોના વેંચાણ ધરાવતા ડૉ.સંજય પંડયા દ્વારા લિખિત ભારતના આ ફ્લુડ થેરાપી પરના સૌ પ્રથમ અને સૌથી વધુ લોકપ્રિય પુસ્તકની તૃતિય આવૃતિનું વિમોચન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં નામના ધરાવતા નેફ્રોલોજીસ્ટ ડો. સંજય પંડયા દ્વારા લિખિત પુસ્તક પ્રેક્ટીકલ ગાઈડલાઈન્સ ઓન ફ્લુઈડ થેરાપીની તૃતિય આવૃતિનું વિમોચન સમારંભ તા. 11 ફેબ્રુઆરીને રવિવારના રોજ યુનિવર્સીટી રોડ ઉપર આવેલી બી. ટી. સવાણી કિડની હોસ્પિટલના ઓડોટોરીયમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પુસ્તકનું વિમોચન મુખ્ય અતિથિ આઈ. એમ. એ. ગુજરાતના પ્રેસિડેન્ટ ડો. ભરત કાકડીયા, ગેસ્ટ ઓફ ઓનર આર્ષ વિદ્યામંદિરના સ્થાપક પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, ગુજરાત આઈ. એમ. એ. સેક્રેટરી ડો. મેહુલ શાહ, રાજકોટ આઈ. એમ. એ. પ્રેસિડેન્ટ ડો. પારસ શાહ, રાજકોટના સીનીયર સર્જન ડો. એચ. ડી. હેમાણી, સિનિયર ફિઝિશ્યિન તબીબ ડો. એન. વી. શાહ અને બી. ટી. સવાણી હોસ્પિટલના ચેરમેન ડો. વિવેક જોશીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તબીબી વિદ્યાર્થીઓ અને પ્રેક્ટિસ કરતા ડોકટરો માટે સરળ અને ઉપયોગી શિક્ષણ આપવાની કૌશલ્યતા અને નિપુણતા ને કારણે આ પુસ્તકના લેખક ડો. સંજય પંડયાને દેશના અનેક ભાગોમાંથી આ વિષય આધારિત વ્યાખ્યાન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધી તેમણે 400 થી વધુ વ્યાખ્યાયાનો દેશના વિવિધ કોલેજોમાં અને રાષ્ટ્રીય પરિષદો માં આપ્યા છે. તેમની આ વિષયની એક્સપર્ટ સર્વિસ માટે 2022 માં જયપુર ખાતે યોજાયેલ એસોસિએશન ઓફ ફિઝિશ્યિન ઓફ ઇન્ડિયા ની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં અતિ પ્રતિષ્ઠ ડો સિદ્ધાર્થ શાહ મેમોરિયલ ઓરેશનથી બિરદાવવામાં આવેલ છે. તેમની આ વિષયમાં મહારથને લીધે તેઓ રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં ત્રણથી ચાર કલાક જેટલા લાંબા વર્કશોપ થકી, દેશ-વિદેશના તબીબોને આ થેરાપી અંગે માહિતી અને માર્ગદર્શન આપે છે. તાજેતરમાં પ્રકાશિત આ પુસ્તકની ત્રીજી આવૃતિની વિશેષતાની વાત કરતા ડો. સંજય પંડયા જણાવે છે કે આ પુસ્તક આંતરરાષ્ટ્રીય સ્તરે ફ્લુડ થેરાપીની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી લખવામાં આવ્યું છે. આ પુસ્તકને તૈયાર કરવામાં સાત વર્ષ જેટલો સમય લાગ્યો છે અને છેલ્લા ચાર વર્ષથી આ પુસ્તકને વહેલી તકે પ્રકાશિત કરી શકાય તે માટે ડો. પંડયા દ્વારા તેમની તબીબી પ્રેક્ટીસનો સમય ઘટાડી અડધો દિવસ આ પુસ્તક લખવા માટે ફાળવતા હતા. જ્ઞાનકોશ સમાન આ પુસ્તકનાં 750 પાનામાં 12 ભાગ- 57 ચેપ્ટર અને 8830 થી વધુ સંદર્ભોનો સમાવેશ કરવામાં આવ્યો છે.