સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ કરી મહિલા આરોપી ડો. હીના પટેલની ધરપકડ કરનાર પોલીસને આડે હાથે લેતી હાઈકોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
- Advertisement -
નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા ગુજરનાર પાયલબેનની સર્જરી કરી સિઝેરીયન કરવામાં આવેલું હોવાનું ઈન્ડોર કેસ પેપર, કેસ હીસ્ટ્રી, એનેસ્થેશિયા સંમતિપત્ર, ઓપરેશન સંમતિપત્ર, એનેસ્થેશિયા રેકર્ડ કાર્ડ, ટ્રીટમેન્ટ પ્રોગ્રેસ નોટ સહિતના કાગળોમાં ગુજરનાર પાયલબેનની તથા તેના પતિની સહીઓ હોવા છતાં તેમજ નિષ્ણાત ડોકટરના પોતે ઓપરેશન કરેલુ હોવાના નિવેદનો હોવા છતાં ફોરમ ક્લિનિકના માલીક ડો. હીનાબેન પટેલે સર્જરી કરેલી હોવાના અને તેણીના કારણે પાયલબેનનું મૃત્યુ નીપજેલુના આક્ષેપવાળી એફ.આઈ.આર. દાખલ કરાવી પ્રિન્ટમીડિયા સોશિયલ મીડિયા તથા ઈલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી અતિચર્ચાસ્પદ રહેલા કેસમાં જેની ધરપકડ કરવામાં આવેલી છે તે ફોરમ ક્લિનિકના માલીક ડો. હીનાબેન પટેલને નામદાર હાઈકોર્ટ દ્વારા પોલીસ તથા સરકારી વકીલોને વેધક સવાલો કરી આરોપીને જામીન પર મુક્ત કરતો હુકમ ફરમાવેલો છે.
કેસની હકીકત જોઈએ તો ફરિયાદી અનુસુચિત જાતિના સભ્ય હોય તેની દીકરી પાયલ ગર્ભવતી હોય તેને ડો. હીનાબેન પટેલના દવાખાનામાં ચેકઅપ કરવા લઈ જતા આરોપી ડો. હીનાબેન પટેલે પાયલને દાખલ કરવાનું કહી ડીલીવરી થઈ જાય તેમ છે તેમ કહી ઓપરેશન થિયેટરમાં ડીલીવરી માટે લઈ જઈ સિઝેરીયન ડીલીવરી કરી, ડીલીવરી દરમિયાન ફરિયાદીની દીકરી પાયલનું બેદરકારીથી મૃત્યુ નિપજાવવા બદલનો ગુજરનાર પાયલના પિતા જીતુભાઈ હીરાભાઈ સોલંકીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલો, જે ગુનાના કામે હીનાબેન પટેલની ધરપકડ કરવામાં આવી હતી.
અરજદાર-આરોપી હીનાબેન પટેલની જામીન અરજી સેશન્સ અદાલતે રદ કરતાં તે હુકમ હાઈકોર્ટમાં પડકારી રજૂઆત કરવામાં આવી કે ડો. હીનાબેન પટેલનો માત્ર ક્લિનિક છે જે ક્લિનિક નિષ્ણાંત ડોકટરો દ્વારા સર્જરી કરવામાં આવેલી છે જેના કેસ પેપરો ઉપરાંત નિવેદનો છે જે સેશન્સ અદાલતે હુકમમાં લક્ષે લીધેલો નથી. ડોકટરની બેદરકારીથી મૃત્યુ થયેલાનુ નિષ્ણાંત પેનલ પાસે પુરવાર થયેલું ન હોવા છતાં તેમજ નામદાર સુપ્રીમ કોર્ટની આવા કિસ્સામાં ગાઈડલાઈન હોવા છતાં તેનો ભંગ કરી હીનાબેન પટેલે ઓપરેશન કરેલું ન હોવા છતાં તેઓને અટક કરી જેલહવાલે કરવામાં આવેલ તેમજ મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ હેઠળ કે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો બનતો ન હોવા છતાં તેની કલમો દાખલ કરવામાં આવેલ વિગેરે લંબાણપૂર્વકની રજૂઆતો સાંભળી નામદાર હાઈકોર્ટ દ્વારા ચાલુ હિયરીંગે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ કરનાર તપાસનીશ અધિકારીને આડે હાથે લઈ સવાલ કરેલો કે ગુજરનાર મહિલાની સર્જરી ડો. હીના પટેલે કરેલી ન હોવા છતાં તેની ધરપકડ શા માટે?
- Advertisement -
ઉપરાંત સરકારી વકીલ ફોરમ ક્લિનિકના આરોપી માલીક હોવાનું રજૂઆત કરતા નામદાર હાઈકોર્ટે સરકારી વકીલને પણ સવાલ કરેલો કે ઝાયડસ, શાલ હોસ્પિટલના માલીકો શું ડોકટર છે? બાદ ફરિયાદીને પણ સાંભળવામાં આવેલા અને ડો. હીના પટેલની ધરપકડને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલાનું ઓનલાઈન હીયરીંગ પરથી સ્પષ્ટ ફલિત થાય છે, વગેરે હકીકતો લક્ષે લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફોરમ ક્લિનિકના માલીક ડો. હીનાબેન પટેલને જામીન પર મુક્ત કરતો હુકમ ફરમાવેલો છે.ઉપરોક્ત કેસમાં અરજદાર ડો. હીનાબેન પટેલ વતી અમદાવાદના વિરાજ પોપટ તથા રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ રોકાયેલ હતા.