અમેરિકન ડ્રીમ: ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
14 જૂન, 1946ના દિવસે જેમનો જન્મ થયો છે એ ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 2016માં અમેરિકાના 45મા પ્રેસિડન્ટ બન્યા અને ત્યાર બાદ આ વર્ષે પણ એટલે કે વર્ષ 2025માં પણ બીજી વાર ચૂંટાઈને ફરી પાછા અમેરિકાના 47મા પ્રેસિડન્ટ બન્યા. વર્ષ 1968માં યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયાની વોર્ટન સ્કૂલમાંથી ઈકોનોમિક્સમાં બેચલરની ડિગ્રી ડોનાલ્ડ ટ્રમ્પે પ્રાપ્ત કરી છે. 2004થી 2025 દરમિયાન એમણે રિયાલિટી ટીવીશો ‘ધ એપ્રેન્ટિસ’ અને ‘ધ સેલિબ્રિટી એપ્રેન્ટિસ’ પ્રોડ્યુસ કર્યા તેમ જ એ બન્ને શોને એમણે જ હોસ્ટ કર્યા છે. 1977માં ડોનાલ્ડ ટ્રમ્પે ઝેક મોડેલ ઈવાના ઝેલનિકોવા સાથે પ્રથમ વાર લગ્ન કર્યાં. વર્ષ 1993માં એમણે ઈવાના ઝેલનિકોવા જોડે ડિવોર્સ લીધા બાદ ઍક્ટ્રેસ માર્લા મેપન સાથે બીજા લગ્ન કર્યા. એમનાથી પણ છૂટા થઈને 2005માં સ્લોવેનિયન મોડેલ મિલાનિયા સાથે તેઓ ત્રીજી વાર લગ્નસંબંધથી જોડાયા છે. જેમની કસરત ગોલ્ફની રમત છે એ ડોનાલ્ડ ટ્રમ્પ નથી સિગારેટ પીતા કે દારૂની સેવન કરતા. ડ્રગ્સ પણ તેઓ નથી લેતા. 20 જાન્યુઆરી, 2025ના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રેસિડન્ટોના નિવાસસ્થાન વ્હાઈટ હાઉસમાં બીજી વાર પદાર્પણ કર્યું અને એ દિવસે જ એમણે લગભગ બાવીસ ‘એક્ઝિક્યુટિવ ઑર્ડરો’ બહાર પાડીને સમગ્ર દુનિયાના અમેરિકન સ્વપ્ના સેવતા લોકોમાં ખળભળાટ મચાવી દીધો. અમેરિકામાં વસતા ઈલ્લિગલ ઈમિગ્રન્ટોની તો એમણે ઊંઘ હરામ કરી નાખી.
- Advertisement -
20 જાન્યુુઆરી, 2025થી લઈને 30 એપ્રિલ, 2025ના 100 દિવસના સમયમાં એમણે 140 એક્ઝિક્યુટિવ ઓર્ડરો બહાર પાડીને અમેરિકામાં ઊહાપોહ મચાવી દીધો. એમના અનેક એક્ઝિક્યુટિવ ઑર્ડરોને કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. અમેરિકાની કોર્ટોએ એ ઑર્ડરો અમલમાં ન આવે એવા મનાઈહુકમો પણ બહાર પાડ્યા છે. સૌપ્રથમ પ્રેસિડન્ટ પદ ધારણ કરતાં જ ટ્રમ્પે ‘બર્થ સિટિઝનશિપ’ને બાન કરતો, અટકાવી દેતો એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડ્યો. અમેરિકાના બંધારણમાં ચૌદમા સુધારા દ્વારા એવું ઠરાવવામાં આવ્યું છે કે જે કોઈ પણ બાળક અમેરિકાની ધરતી ઉપર જન્મ લે એને જન્મના આધારે અમેરિકાનું નાગરિકત્વ બક્ષવામાં આવે. એ બાળકની માતા સિટિઝન ન હોય, ગ્રીનકાર્ડધારક ન હોય, નોન-ઈમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશેલી હોય યા વિઝા વગર પ્રવેશેલી હોય, પણ એ સ્ત્રી જો એના બાળકને અમેરિકાની ધરતી ઉપર જન્મ આપે તો એ બાળકને આપોઆપ અમેરિકાનું નાગરિકત્વ બક્ષવામાં આવે છે.
અમેરિકાની કોર્ટોએ હાલમાં એમના મનાઈહુકમ દ્વારા ટ્રમ્પના આ એક્ઝિક્યુટિવ ઓર્ડરને સ્થગિત કરી દીધો છે. અમેરિકાની સરકારે વર્ષ 1990માં જે ‘ઈબી-5 પ્રોગ્રામ’ દાખલ કર્યો હતો એ પણ ટ્રમ્પે રદ કરવાની અને એની જગ્યાએ ‘ગોલ્ડ કાર્ડ’ દાખલ કરવાની જાહેરાત કરી છે. જો કે 30 સપ્ટેમ્બર, 2026 પહેલાં જે કોઈ પણ પરદેશી અમેરિકાના ઈબી-5 પ્રોગ્રામ હેઠળ રોકાણ કરશે અને પોતાના લાભ માટે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરશે એમને પિટિશન એપ્રૂવ થતાં ગ્રીનકાર્ડ જરૂરથી પ્રાપ્ત થશે. આમ છતાં હવેથી પરદેશી ઈન્વેસ્ટરો, જેઓ ઈન્વેસ્ટમેન્ટ કરીને અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા ઈચ્છે છે તેઓ વિચારમાં પડી ગયા છે કે શું ઈબી-5 પ્રોગ્રામ ચાલુ રહેશે? એની હેઠળ એમને ગ્રીનકાર્ડ મળશે? આવા આવા તો કંઈકેટલાય એક્ઝિક્યુટિવ ઓર્ડરો પ્રેસિડન્ટ ટ્રમ્પે બહાર પાડ્યા છે. એમણે પરદેશી વિદ્યાર્થીના સેવિસ રેકોર્ડ બંધ કરી દીધા છે અને એ વિદ્યાર્થીઓને તુરંત જ અમેરિકા છોડી જવાની તાકીદ કરી છે. કાયદાના આ ફેરફારને પણ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને કોર્ટો એ મનાઈહુકમ દ્વારા પ્રેસિડન્ટ ટ્રમ્પના આ એક્ઝિક્યુટિવ ઓર્ડરને પણ સ્થગિત કરી દીધો છે.
એકંદરે બીજી વાર પ્રેસિડન્ટ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે તેઓ જાણે વેર લેતા હોય એ મુજબ જ અમેરિકામાં કાયદેસર તેમ જ ગેરકાયદેસર રહેતા ઈમિગ્રન્ટોને અમેરિકા બહાર મોકલી દેવાના આદેશો બહાર પાડ્યા છે. એમણે ઈમિગ્રેશન ઓફિસરોને સખત સૂચના આપી છે કે તમારે ઈમિગ્રેશનના કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવાનું છે અને જો જરા જેટલી પણ શંકા આવે તો એવા પરદેશીઓને અમેરિકા બહાર મોકલી આપવાના છે. આજે ભારતમાંથી અમેરિકામાં લગભગ દસ લાખ યા એથી પણ થોડા વધુ લોકો દસ પંદર અમેરિકામાં વર્ષોથી ઈલ્લિગલી રહે છે. એમનાં બાળકોએ અમેરિકાની ધરતી ઉપર જન્મ આપ્યો છે એટલે એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે કે સિટિઝન હોવાના લીધે એમના બાળકોને અમેરિકાની બહાર મોકલી નહીં શકાય, પણ એમના ગેરકાયદેસર રહેતાં માતા-પિતાને તો અમેરિકાની સરકાર ડિપોર્ટ કરી શકશે. જો આવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો હજારો બાળકો, જેમનાં મા-બાપોને અમેરિકા બહાર મોકલી દેવામાં આવશે તેઓ મુશ્કેલીમાં મુકાઈ જશે. લાચાર બની જશે.
- Advertisement -
તમે જો અમેરિકા જવાનો, ટૂંક સમય માટે યા કાયમ રહેવા માટે, વિચાર કરતા હોવ, તમારું એક ‘અમેરિકન ડ્રીમ’ હોય, તમે અમેરિકામાં ભણવાની ઈચ્છા ધરાવતા હો, એચ-1બી વિઝા ઉપર નોકરી કરવા ચાહતા હોવ, આંતરકંપની ટ્રાન્સફરી એલ-1 વિઝા ઉપર બિઝનેસ કરવા ઈચ્છતા હોવ, તો તમારે કોઈ પણ પ્રકારનું ગેરકાનૂની કાર્ય કરવું ન જોઈએ. વિઝાના અરજીપત્રકોમાં યા પિટિશનોમાં તેમ જ ઈન્ટરવ્યૂમાં ખોટી બાતમી આપવી ન જોઈએ. સાચી બાતમી છુપાવવી ન જોઈએ. ખોટા દસ્તાવેજો રજૂ કરવા ન જોઈએ. અમેરિકામાં જે પૈસા તમારા બિઝનેસ માટે યા સંતાનના ભણતર માટે મોકલતાં હોવ એ સર્વે કાયદેસર, બેન્ક ટ્રાન્સફર મારફતે મોકલવા જોઈએ, હવાલા દ્વારા મની લોન્ડરિંગનો ગુનો કરીને એ પાઠવવા ન જોઈએ. બનાવટી લગ્નો કરીને અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. અમેરિકામાં હોવ તો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું ન જોઈએ. મદ્યપાન કરીને કાર ચલાવવી ન જોઈએ. સિગ્નલો તોડીને, લાલ લાઈટ હોય તે છતાં ગાડી ચલાવવી ન જોઈએ. સ્પીડ લિમિટથી વધુ સ્પીડમાં વાહનો ચલાવવા ન જોઈએ. ડ્રગ્સનું સેવન કરવું ન જોઈએ. બ્લુ ફિલ્મ જોવી ન જોઈએ તેમ જ એને કોઈને ફોરવર્ડ પણ કરવી ન જોઈએ. જૂઠાં કારણો આપીને અમેરિકામાં રહેવા માટે આપવામાં આવેલો સમય લંબાવવાની અરજીઓ કરવી ન જોઈએ. ખોટાં બહાનાં દેખાડીને ‘ચેન્જ ઓફ સ્ટેટસ’ યા ‘એડ્જસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ’ની અરજી કરવી ન જોઈએ.
એક પ્રકારના વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા બાદ બીજા પ્રકારના વિઝા ઉપર કાર્ય કરવાનો ‘પૂર્વનિયોજિત ઈરાદો’ સેવવો ન જોઈએ. અમેરિકામાં પ્રવેશો ત્યારે જે ડોલરો રોકડામાં સાથે લઈ જતા હોવ એ કાયદેસર બેન્કમાંથી યા રજિસ્ટર્ડ એક્સચેન્જ આપનારાઓ પાસેથી જ મેળવવા જોઈએ. એના પુરાવાઓ સાથે રાખવા જોઈએ. ટૂંકામાં અમેરિકાના વિઝા માગતાં એ માટે ફોર્મ ભરતાં, પિટિશન દાખલ કરતાં, ઈન્ટરવ્યૂ આપતાં અને અમેરિકામાં પ્રવેશ્યા બાદ કંઈ પણ ખોટું ન કરતાં. જો આટલી તકેદારી રાખશો તો અમેરિકાના 47મા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તમને અમેરિકાના વિઝા ન આપવાની કે વિઝા હોય અને અમેરિકામાં પ્રવેશ ન આપવાની કે પછી અમેરિકામાં પ્રવેશ્યા હો તો અમેરિકામાંથી બહાર તગેડી મૂકવાની કાર્યવાહી બને ત્યાં સુધી કરી નહીં શકે.



