રાજકોટ સિવિલમાં ડૉક્ટરની બેદરકારીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
મંગળવારે ઝનાના હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી એક બાળકના મોત બાદ હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાયલા પંથકના સુદામડા ગામની 25 વર્ષની કમળાબેન વિપુલભાઇ સાળેસાને અચાનક શ્વાસની તકલીફ ઊભી થતાં 24 નવેમ્બરના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગના બીજા માળે આવેલા ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. બે સંતાનની માતા રહેલી આ યુવતીને યોગ્ય સારવાર મળવાની આશા સાથે પરિવારજનોએ હોસ્પિટલનો સહારો લીધો હતો, પરંતુ સારવાર દરમિયાન થયેલી ગંભીર બેદરકારીએ યુવતીએ જીવ ગુમાવ્યો હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
- Advertisement -
મળતી માહિતી મુજબ 26 નવેમ્બર, બુધવારે બપોરે યુવતીની તબિયત બગડતા ડોક્ટરે તેને વેન્ટીલેટર પર રાખી હતી. પરંતુ પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે ડોક્ટરે અમારા દર્દીને અડધી નળી લગાવી એ જ સ્થિતિમાં રાખી અન્ય કોઈ દર્દીને તપાસ કરવા માટે ત્યાંથી નીકળી ગયા હતા. આ દરમિયાન યુવતી વધુ તરફડવા લાગી, જેને જોતા પરિવારજનોએ તાત્કાલિક તબીબને બોલાવ્યા હતા. પરંતુ ડોક્ટર થોડી વારમાં આવુ તેમ જણાવ્યુ હતુ. પરિવારજનોને પોતાના દર્દીની સ્થિતિ જોઇ ન શક્તા ડોક્ટરને ફરી આજીજી કરી કે તમે આવો તેમ છતા ન આવ્યા બાદ મૃતક યુવતીના પતિએ ડોક્ટરનો હાથ પકડીને લઇ આવ્યા હતા ત્યારે તપાસ કરતાં કમળાબેનને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોએ ડોક્ટરને જણાવ્યુ કે તમે નળી પૂરે પૂરી અંદર નાખી હોત તો આજે મારી પત્નીનો જીવ બચી જાત. આ સ્થિતિમાં ડોક્ટરે માત્ર સોરી શબ્દમાં જવાબ આપ્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. આ દુ:ખદ સમાચાર સાંભળતાં જ પરિવારમાં આક્રંદ મચી ગયો હતો. પરિવારજનો ઘટનાની વાસ્તવિકતા જાણવા વીડિયો બનાવવા લાગ્યા ત્યારે ડોક્ટરે ધમકી ભરી ભાષામાં કહ્યું કે વીડિયો ન ઉતારતા અને આ બાબત બહાર ન આવે, નહીં તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. મૃતક યુવતીના પરિવારજનોએ કહ્યુ ડોક્ટર સામે કડક સજા થવી જોઇએ અને અમને ન્યાય મળવો જોઇએ. ઝનાના હોસ્પિટલમાં બાળકના મોત બાદ સતત બીજા દિવસે સિવિલમાં આ પ્રકારની બેદરકારી સામે આવતાં સામાન્ય લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને હોસ્પિટલ વ્યવસ્થાપનની કામગીરી પર ફરી પ્રશ્ર્નચિહ્ન ઊભું થયું છે.
બે સંતાને માતાની છત્રછાયા ગુમાવી, પરિવારમાં આક્રંદ
ગઈકાલે ઝનાનામાં બાળકના મોત બાદ આજે ફરી ડૉક્ટરની બેદરકારીના આક્ષેપો લાગ્યા



