આજથી દિવાળી-નવવર્ષનાં તહેવાર શરૂ થાય છે. આક રોજ દિવાળીને લઈ રાજકોટની તમામ બજારોમાં ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. નવા કપડા, વાહનો, ઘરેણાં, ઈલેક્ટ્રિક આઈટમ, પગરખા અને ઘરનાં સાજ-સજાવટ જેવી વિવિધ વસ્તુઓની ખરીદી કરવા લોકો બજારમાં નીકળી રહ્યાં છે. રાજકોટની ગુંદાવાડી, કોઠારિયા નાકા, સોની બજાર, ઘર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, દાણાપીઠ, લાખાજીરાજ રોડ, યાજ્ઞિક રોડ પર આવેલી વિવિધ બજારોમાં ખરીદીની બધી જ વસ્તુઓ મળી રહેતી હોવાથી લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત દિવાળીને લઈને વેપારીઓએ અનોખી તૈયારીનાં ભાગરૂપે પોતાની દુકાનોને અવનવી રીતે સજાવી છે. જેથી ગ્રાહકોને આકર્ષી શકાય. કપડા, ફરસાણ, મીઠાઈ, ગૃહ સુશોભનની વસ્તુઓ, ફુટવેર, ખાદ્યસામગ્રી વગેરે વસ્તુઓની ખરીદી માટે લોકો રાજકોટની વિવિધ બજારોમાં ઉમટી પડ્યા છે. રાજકોટની બજારોમાં શહેરની આજુબાજુનાં ગામડાઓમાંથી પણ લોકો આવીને ખરીદી કરી રહ્યાં છે.
ઉજાસ અને મીઠાસનાં મંગલકારી દિવસોમાં ફટાકડા-મીઠાઈનું વેચાણ વધ્યું
રાજકોટમાં ઉજાસનાં પર્વ દિવાળી નવવર્ષની ભવ્ય ઉજવણી ફટાકડાઓ ફોડી અને મીઠાઈઓ વહેંચી કરવામાં આવે છે. નવલા વર્ષનાં તહેવારોને લઈને રાજકોટીયનો ઉત્સાહિત છે. આજથી લઈ લાભપાંચમ, દેવ દિવાળી સુધી બજારોમાં રોનક જોવા મળશે ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મંદી-મોંઘવારીની અસર હોવા છતાં હકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. મંદી-મોંઘવારી હોવા છતાં ફટાકડાઓ અને મીઠાઈઓની ખરીદીમાં નોંધનીય વધારો થઈ રહ્યો છે. સોના-ચાંદી, વાહનો, કપડા જેવી વસ્તુઓની બજારમાં ભાવવધારો હોવા છતાં તેની બજારોમાં ભીડ જોવા મળે છે ત્યારે દિવાળી દરમિયાન ફટાકડાઓ અને મીઠાઈનો વિશેષ ક્રેઝ હોય છે. આ વર્ષે ફટાકડાઓ અને મીઠાઈ બજારની ખરીદીમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાંક સમયથી નિયમિત રીતે ફટાકડા-મીઠાઈનું વેચાણ-માંગ વધી થઈ રહી છે.
- Advertisement -
સોનીબજારની જ્વેલરી શોપથી લઈ જ્વેલરી શો-રૂમ ગ્રાહકોને આકર્ષી રહ્યાં છે
દિવાળીનાં તહેવાર નિમિત્તે સોના-ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ રહેલું છે. ખાસ કરીને ધન તેરસે સોના-ચાંદી અને તેના ઘરેણાંની ખરીદીનું મહત્વ સવિશેષ વધી જતું હોય છે. સામાન્ય રીતે દિવાળી પર સોના-ચાંદીનાં ઘરેણાંની વધુ ખરીદી થતી હોય છે. આજે દિવાળીનો તહેવાર હોય રાજકોટમાં આવેલી સોની બજારની જ્વેલરી શોપથી લઈ જ્વેલરી શો રૂમમાં લોકો સોના-ચાંદીનાં ઘરેણાંની ખરીદી કરતા નજરે જોવા મળી રહ્યાં છે. રાજકોટની સોની બજારની શોપ અને શો રૂમમાં સોના-ચાંદીનાં ઘરેણાની અવનવી વેરાયટી તેમજ ડિઝાઈન જોવા મળી રહી છે. ગ્રાહકોને આકર્ષવા માટે જ્વેલરી શોપ અને શો રૂમનાં માલિકોએ તેની સજાવટથી માંડીને આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, દિવાળી પછી તરત જ લગ્નગાળો હોવાથી સોના-ચાંદીનાં ભાવ ઉચ્ચ સપાટીએ હોવા છતાં લોકો સોના-ચાંદીનાં ઘરેણાની ખરીદી કરી રહ્યાં છે.
ભાવતા મુખવાસ ખરીદવા ભીડ જામી
દિવાળી અને નવ વર્ષનાં દિવસોમાં ઘરે આવતા મહેમાનને મુખવાસ આપી મોઢું મીઠું કરાવવાની પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે. વર્ષો પહેલા ભારતીય પરંપરા મુજબ સાકર, ટોપરુ, વળીયાળી જેવી વાનગી મુખવાસમાં અપાતી હતી આજે પણ કેટલાંક ઘરોમાં આ પ્રથા જળવાઈ છે પરંતુ હવે મુખવાસમાં અવનવી વેરાયટી આવી ગઈ છે. રાજકોટમાં આશરે એકસોથી પણ વધારે મુખવાસ એક જ દુકાનમાં મળી રહે છે. દિવાળીમાં ડ્રયફ્રુટ ખરીદનાર ઓછા જોવા મળે છે પણ મુખવાસ ખરીદનાર વધુ જોવા મળે છે. સામાન્ય રીતે દિપાવલી પર્વ એટલે દિવડા, ફરસાણ, નવા કપડાં, ફટાકડાં અને પરંપરાગત મીઠાઈ-ઘુઘરા-મઠીયા સાથે નવાં વર્ષની ઉજવણી.. પણ આ ઉજવણી મુખવાસ વગર અધૂરી છે. નવા વર્ષની શુભકામના પાઠવવા આવતી દરેક વ્યક્તિને દરેક ઘરમાં નાસ્તા કે મોં મીઠું કર્યા પછી મુખવાસ તો મળશે જ અને તે પણ અવનવી વેરાઈટીનો. ભોજન લીધા પછી પાચન માટે વપરાતા મુખવાસ હવે ખુદ વાનગી જેવા બની ગયા છે. આથી બજારોમાં એકસોથી વધુ પ્રકારના મુખવાસ ઉપલબ્ધ છે. આ વર્ષે બજારોમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઉપયોગી થાય તેવો અળસીનો મુખવાસ, ડાયાબિટીસ માટે રોસ્ટેડ મેથી, પાચક મેથી, ગેસવાયુ માટે પીપરસેવ, હરડે, અનારદાના, જીરાગોળી હજમાહજમ, પાચક આંબળા, પાચક જીરુ અજમો જેવા ડાયજેસ્ટિવ મુખવાસ અને કલકત્તી પાન, ગુલકંદ-ખજુર મુખવાસ, નેચરલ મુખવાસ, ખારો મુખવાસ જેવી અઢળક નવી વેરાઈટી આવી છે. આ મુખવાસની કિંમત 100 રૂપિયાથી 1000 રૂપિયા પ્રતિ કિલો છે. મુખવાસની સાથે સાથે આમળા, કેરીની ગોટલી, આદુની સુકવેલી કતરણો પણ ખૂબ મોટા પ્રમાણમાં વેચાય છે. ઉપરાંત હિંગ પેંડા, જીરા કેરી, તીખી કેરી, ટીનીમીની, ચટપટી આંબલી રસીલી વગેરે જેવા ફેન્સી મુખવાસ ખરીદવા લોકોની ભીડ જામી રહી છે.



