શિયાળો શરુ થઇ ગયો છે. રાજકોટ શહેરમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે રાજકોટ પોલીસની મહેકતી માનવતા સામે આવી છે. રાજકોટ પોલીસના ટ્રાફિક એસીપી જે.બી.ગઢવીએ જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. બાંધકામ સાઈટો જ્યાં ચાલતી હોય ત્યાં અનેક મજૂરો જે રાત્રે ફૂટપાથ પર જ સુઈ જાય છે તેમની પાસે ઠંડીમાં ઓઢવા પાથરવા માટે ગોદડા હોતા નથી ત્યારે ટ્રાફિક એસીપી જે.બી.ગઢવીએ આવા જરૂરિયાતમંદ ગરીબોને ધાબળાનું વિતરણ કર્યું હતું. આવા ફૂટપાથ પર રાતવાસો કરનાર ગરીબ અને શ્રમજીવીને ધાબળાઓનું વિતરણ કર્યું છે અને તેઓને ધાબળા ઓઢાડી ઠંડી સામે રક્ષણ આપ્યું છે.
ટ્રાફિક એસીપી જે.બી.ગઢવીની જો વાત કરીએ તો અગાઉ જ્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદના ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા ત્યારે પણ ગૌશાળામાં ઘાસચારા, વૃક્ષ ઉછેરથી લઈ ઝૂંપડપટ્ટીના બાળકોને ભોજન સહિતની અનેક સેવાકીય પ્રવૃતિઓથી જોડાયેલા છે. ત્યારે કેશોદની વિભાગીય પોલીસ અધિકારીની કચેરી બહાર ગૌશાળા શરૂ કરી હતી. ગાયોને બાંધવામાં આવી નથી પરંતુ તેમની મેળે તેઓ ઘાસચારા અને પાણી માટે ગૌશાળાએ આવી જાય છે. તો, આમ પોલીસ અધિકારી તરીકે નાગરિકોની રક્ષા તો કરે જ છે જ્યારે સામાજિક પ્રવૃતિઓ સાથે પણ સંકળાયેલા છે.