ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
વિસાવદરના કાલસારી ગામમાં આવેલ પી.એચ.સી. ખાતે સરપંચ તથા ગ્રામજનોએ વિવિધ પ્રકારના સઘન ચેકીંગ કરીને સ્વાસ્થ્ય અંગેના સાધનો સુવિધા અંગે તાગ મેળવી ત્યાંના ઇન્ચાર્જ અધિકારીને આડે હાથ લીધા હતા. મસમોટો તગડો પગાર લેતા આ અધિકારીની બેદરકારી માટે સૌએ તતડાવ્યા હતા.અને સમગ્ર સેન્ટરમાં વિવિધ મશીનરીઓ બે વષેથી બંધ હાલતમાં જોવા મળેલ છે છતાંય આ અંગે જવાબદાર અધિકારીના પેટનું પાણી હલતું નથી એવું જાણવા મળ્યું છે. સ્ટાફમા પણ પોતાના મળતીયાઓને ભારે રહેમદિલી દાખવે છે અને કોઈ સામે બોલે તો ઉચ્ચ અધિકારીઓ પાસેથી સહન ન થાય તેવો માનસિક ત્રાસ આપે છે. મસ્ટરમા પણ કર્મચારીઓની સહી બાબતે પણ ભારે ગોલમાલ કરી હોવાની સંભાવના હોય એવું લાગે છે. સરપંચ અને આગેવાનોએ જણાવ્યું કે જો હવે આગામી દિવસોમાં આ તંત્ર અને અધિકારીઓ સુધરશે નહિ તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
કાલસારી PHCની કામગીરીથી નારાજ લોકોએ હલ્લાબોલ કર્યો



