જૂનાગઢના ભેસાણમાં મગફળી બિયારણમાં કૌભાંડ
સરકારના સહાય પેકેજ હેઠળ આપેલું બિયારણ ખેડૂતો સુધી ન પહોંચ્યું
- Advertisement -
ખેડૂતોમાં રોષ, તંત્ર અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં મગફળીના મફત બિયારણના વિતરણમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. સરકાર દ્વારા નાગરિકોને ખાસ કરીને ખેડૂતો માટે આપવામાં આવતું મગફળીનું બિયારણ જમીન ધરાવતા ખેડુતોને વિનામૂલ્યે આપવાનું હોય છે, પરંતુ આ બિયારણ ખાનગી રીતે મોટી માત્રામાં વેચાઈ ગયું હોવાની માહિતી સામે આવતા તંત્રમાં હલચલ મચી ગઈ છે. ખાનગી પેઢી દ્વારા વેચાયેલા આ બિયારણમાં સરકારની સબસિડીના બરાબર સ્લીપ અને પેકિંગ હતાં, જે ખાસ રીતે કૃષિ વિભાગ મારફતે મંજૂર થયેલું છે. જોકે, જથ્થામાંથી એસ્ટ્રા-555, શ્રીરામ-115, મહીકૃષિ-2021 સહિતના નામ ધરાવતાં બિયારણનો જથ્થો મળ્યો છે. જે ખેડૂતોને મફત કે સબસિડી પર મળવાનું હોય છે. આ બિયારણ ખાનગી રીતે વેચાણ માટે તૈયાર રાખવામાં આવતું હતું.
બિયારણના પેકેટો ખેતીવાડી સહાયના નામે વિતરણ માટે મોકલાયા હોવા છતાં, ખેડૂતોને મળ્યા જ ન હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ભેસાણ તાલુકાની એક જાણીતી ખોડિયાર એન્ટર પ્રાઈઝ નામની ખાનગી પેઢીએ સરકારના વિતરણ માટેના બિયારણના પેકેટો પોતાના સંગ્રહમાં રાખી તેને બજારમાં વેચી દીધા છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે પેઢીના માલિક શંકાના દાયારા છે અને તેની સામે હાલ તંત્ર અને પોલીસ દ્વારા પણ જીણવટ ભરી તપાસ શરુ કરી છે. તપાસ દરમિયાન મળેલા મુખ્ય મુદ્દાઓ જોઈએ તો સરકારી મગફળી બિયારણ માંથી સબસિડીના સ્ટીકર દૂર કરીને તેમને ખાનગી તરીકે વેચવાનો પ્રયાસ કરાયો અને અંદાજે રૂ. 10 થી 15 લાખના બિયારણનો ગેરઉપયોગ થયાની શક્યતા સેવાઈ રહી છે. કેટલાક ખેડૂતો કહે છે કે તેઓને હજુ સુધી બિયારણ મળ્યું જ નથી પેઢી દ્વારા મફત વિતરણ માટે મળેલા બિયારણનો સાચો હિસાબ ગેરહાજર જોવા મળે છે ત્યારે તંત્રે તાત્કાલિક પગલાં સ્વરૂપે બિયારણના કંપ્યુટર રજીસ્ટર, વિતરણ પત્રકો તથા ખેડૂતનાં દસ્તાવેજોની તપાસ શરૂ કરી છે. જો કે, આ ઘટના સામે આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, જેમણે પણ સબસીડી સહાય વાળું બિયારણ વેચી દેવાનું સામે આવ્યું છે. તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખેડૂતોના હકના સહાય પેકેજમાં ગડબડી અનાવરણીય છે અને આવી હેરાફેરી સામે શૂન્ય સહિષ્ણુતા રાખવામાં આવશે. ખેડૂતોની માંગ: સર્વે કરીને દરેક ખેડૂત સુધી બિયારણ પહોંચ્યું કે નહીં તેની પુષ્ટિ કરવામાં આવે અને કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીઓ અને સંસ્થાઓ સામે ગુનાહિત કેસ દાખલ થાય જેનાથી ભવિષ્યમાં સહાય પેકેજનું વિતરણ વધુ પારદર્શક અને ટ્રેકેબલ બનાવવામાં આવે આ ઘટનાને લઈ તંત્ર દ્વારા આજીવન નિષ્કાળંક રહેલા ખેડૂતને પણ શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે, અને હવે જોવાનું એ છે કે આ કેસમાં કયા ઉચ્ચસ્તરીય કડી સુધી તપાસ પહોંચે છે.