હૉસ્પિટલમાં ડૉક્ટરોની બેદરકારી અને જગ્યાના અભાવે 43 ગામોના દર્દીઓ પરેશાન
એક તરફ હૉસ્પિટલનું 50 ટકા ડિમોલેશન: અડધી જગ્યામાં હૉસ્પિટલ શરૂ રાખવામાં આવી
- Advertisement -
નર્સિંગ સ્ટાફ હોવા છતાં પટ્ટાવાળા બાટલાં ચલાવતા હોવાનો લોકોનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.12
તાલાલા સિવિલની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે અને હોસ્પિટલના નવીનીકરણના કામ વચ્ચે નર્કાગારની સ્થિતિનો અનુભવ દર્દીઓ કરી રહ્યાં છે. હોસ્પિટલમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે અને બાયોમેડિકલ વેસ્ટ, સીરીઝ, ઇન્જેક્શનો ખાલી બાટલા જ્યાં ત્યાં પડેલા જોવા મળી રહ્યાં છે. હાલ નવી હોસ્પિટલનું કામ શરૂ હોય હાલ હોસ્પિટલમાં ઓપીડી માં આવતા દર્દીઓને બાકડા પર બેઠા બેઠા બાટલા ચડાવવા પડે છે. હોસ્પિટલના અધિક્ષક બેદરકારી દાખવતા હોય નર્સિંગ સ્ટાફને બદલે હંગામી પટ્ટાવાળાઓ દર્દીઓને બાટલા આપે છે. જેથી દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ હોસ્પિટલની જ્યારે કામગીરી શરૂ થઈ ત્યારે પાલિકા સંચાલિત જૂની તાલુકા શાળાનું બિલ્ડીંગ પણ હોસ્પિટલને હંગામી ધોરણે ચલાવવા સોંપવામાં માં આવ્યું છે છતા સફાઈ કે બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ થતો નથી આ ઉપરાંત સફાઈના અભાવે સ્ટાફ પણ પરેશાન બન્યો છે વહેલી તકે કામગીરી શરૂ કરવાની માંગ ઉઠી રહી છે.
કલેકટર હૉસ્પિટલની સ્થિતિ ચકાશે તેવી લોકોમાં માંગ ઉઠી
આ અંગે લોકોએ જણાવ્યું હતું કે અહીંયા યોગ્ય સફાઈ કામગીરી થતી નથી અને ગંદકી જોવા મળી રહી છે ત્યારે જ કલેકટર આ હોસ્પિટલની મુલાકાત લઈ સ્થિતિ ચકાશી જવાબદાર તંત્રને સૂચના આપી કામગીરી કરાવે તેવી માંગ ઉઠવા પામી છે.