હૈદરાબાદના શોમાં દિલજીત દોસાંઝને ડ્રગ્સ, આલ્કોહોલને પ્રોત્સાહન આપતાં ગીતો નહીં ગાવાં સૂચના
દિલજીત દોસાંઝ તેની ’દિલ-લુમિનાટી’ ટૂરમાં વ્યસ્ત છે જ્યાં તેનાં શો ભારતનાં 10 શહેરોમાં યોજાશે. ગાયક આજે સાંજે હૈદરાબાદમાં પર્ફોર્મન્સ આપવાનો છે. શો પહેલાં તેને તેલંગાણા સરકાર તરફથી દારૂ, ડ્રગ્સ અથવા હિંસાને પ્રોત્સાહન આપતાં ગીતો ન ગાવા માટે નોટિસ મળી છે.
નોટિસમાં વધુમાં સૂચવવામાં આવ્યું છે કે તેમનાં શોમાં ’બાળકોનો ઉપયોગ ન કરવો’ કારણ કે કોન્સર્ટ દરમિયાન મોટાં અવાજો અને ફ્લેશિંગ લાઇટ તેમનાં માટે હાનિકારક છે. નોટીસમાં કહેવામાં આવ્યું છે કે ડબ્લ્યુએચઓ અનુસાર, 13 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને 120 ડીબીથી ઉપરનાં અવાજનાં સ્તરનાં સંપર્કમાં આવવું જોઈએ નહીં. “તેથી, તમારાં લાઈવ શો દરમિયાન જ્યાં પીક સાઉન્ડ પ્રેશર લેવલ 120 ડીબીથી ઉપર હોય ત્યાં બાળકોનો સ્ટેજ પર ઉપયોગ ન કરવો જોઈએ.
- Advertisement -
આમ આ નોટિસ તેમનાં માટે ઔપચારિક રીમાઇન્ડર જેવી છે કે તેઓએ સુરક્ષિત અને નિયમ અનુરૂપ ઇવેન્ટનું પાલન કરવું જોઈએ. આ નોટિસ ચંડીગઢના રહેવાસીની રજૂઆતના આધારે આવી છે. મહિલા અને બાળકો, વિકલાંગ અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ વિભાગનાં જિલ્લા કલ્યાણ અધિકારી, રંગારેડ્ડી દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે.
દિલજીતે ગયાં મહિને જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં તેનાં લાઇવ શો દરમિયાન ડ્રગ્સ અને આલ્કોહોલને પ્રોત્સાહન આપતાં ગીતો ગાયાં છે. દિલ્હી શોમાં એક જ દિવસમાં 35000 થી વધુ લોકોએ હાજરી આપી હતી. દિલજીતે આ પહેલાં જયપુર અને દિલ્હીમાં પરફોર્મ કર્યું છે. તેમનાં પ્રવાસમાં પૂણે, મુંબઈ, ગુવાહાટી જેવાં અન્ય શહેરો પણ સામેલ છે.