જૂનાગઢ કલેક્ટર દ્વારા મતદાન મથકોનું નિરીક્ષણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
ખાસ સઘન સુધારણા SIR કાર્યક્રમ અન્વયે જુનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ રાણાવસિયા તથા પ્રાંત અધિકારી કિશન ગરસરે કેશોદ વિસ્તારના અગતરાય અને વણપરિયા ક્ધયા વિદ્યામંદિર સહિતના મતદાન મથકોની મુલાકાત લીધી હતી. તેમણે મેગા કલેક્શન કેમ્પ અને ડિજિટાઈઝેશનની કામગીરીની રૂબરૂ સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નિકુંજકુમાર ધુળા અને સ્થાનિક મામલતદારે માંગરોળ અને માળિયા હાટીનાના કૂકસવાડા વિસ્તારમાં બૂથ મુલાકાત લઈ સ્થાનિક આગેવાનો સાથે SIR અંગે બેઠક યોજી હતી.
જિલ્લામાં કુલ 13,00,344 મતદારોમાંથી અત્યાર સુધીમાં 6,22,433 મતદારોના ફોર્મ ડિજિટાઈઝ થતાં કામગીરીમાં 47.87% જેટલી પ્રગતિ નોંધાઈ છે. ગણતરી ફોર્મ જમા કરવાની અંતિમ તારીખ 04 ડિસેમ્બર, 2025 હોવાથી, ડ્રાફ્ટ મતદારયાદીમાં નામ સુનિશ્ચિત કરવા માટે નાગરિકોને સમયસર ફોર્મ જમા કરાવવા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ અપીલ કરવામાં આવી છે.



