ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટમાં વધુ એક ’ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નિવૃત ફોરેસ્ટ અધિકારી સૂર્યકાન્તભાઈ મોહનલાલ રાઠોડ (ઉ.63) સાયબર માફિયાઓનો શિકાર બન્યા છે. સાયબર ઠગ ટોળકીએ તેમને ડિજિટલ એરેસ્ટની ધમકી આપીને 8.93 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
ફરિયાદ મુજબ, તા. 28/11/2024 ના રોજ સૂર્યકાન્તભાઈને TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા) માંથી ’દિયા શર્મા’ નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે જણાવ્યું કે તેમના ઉંશજ્ઞ સીમ કાર્ડનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે અને તે બંધ કરવો પડશે.
- Advertisement -
ત્યારબાદ, મહારાષ્ટ્રથી ’સાયબર ક્રાઈમ ઇન્સપેક્ટર મોહીત હાન્દા’ તરીકે ઓળખ આપીને ફોન આવ્યો. તેણે વૃદ્ધને તેમના આધાર કાર્ડ પરથી ખોટું બેંક ખાતું ખુલી ગયું છે અને તેમાં 68 લાખનું ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયું છે, જેમાં એક મહિલાએ આત્મહત્યા કરી લીધી છે તેમ કહીને ડરાવ્યા હતા. મોહીત હાન્દાએ તેમને મુંબઈ આવીને તપાસમાં સહકાર આપવા જણાવ્યું અને જો ન આવી શકે તો વીડિયો કોલ પર તપાસ કરવા જણાવ્યું. એરેસ્ટ ન થવા માટે 2 લાખ રૂપિયા બોન્ડ/જામીન ભરવા પડશે તેમ કહીને વૃદ્ધને ગભરાવી દીધા. તા. 29/11/2024 ના રોજ વોટ્સએપ પર મોકલેલી લિંક દ્વારા તેમના મોબાઈલની સ્ક્રીનનો કંટ્રોલ મેળવી, જુદા જુદા બેંક ખાતાઓમાં યુપીઆઈ દ્વારા કુલ 8.93 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ઘટના અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને પીઆઈ જે.એમ.કૈલા અને તેમની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે લોકોને આવા ડિજિટલ કૌભાંડોથી સાવચેત રહેવા અપીલ કરી છે.