ગુજરાત કોંગ્રેસમાંથી કોઈ ચૂંટણી લડવા તૈયાર નથી!
ખાસ-ખબર ન્યૂઝ ઈં ગાંધીનગર, તા.28
- Advertisement -
ગુજરાતમાં કોંગ્રેસ સાત બેઠકો પર ઉમેદવાર શોધી શકી નથી. ભાજપે લોકસભાની 26 બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે ત્યારે કોંગ્રેસ હજુ સાતેક બેઠકો માટે ઉમેદવારો શોધી શકી નથી. ભાજપના ઉમેદવાર સામે કોને ટિકિટ આપવી તે અંગે હજુય મનોમંથન ચાલી રહ્યુ છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ-ધારાસભ્યો ચૂંટણી લડવાનો સ્વૈચ્છિક રીતે ઇન્કાર કરી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસ માટે મૂરતિયા શોધવાનું વધુને વધુ મુશ્કેલ બન્યુ છે.
ભાજપે કકળાટ વચ્ચે પ્રચાર શરૂ કર્યો પણ કોંગ્રેસને લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણી માટે સક્ષમ ઉમેદવારો જડતા નથી. કોંગ્રેસે હાઈકમાન્ડે બે યાદી જાહેર કરી જેમાં ગુજરાત કોંગ્રેસના એકેય ઉમેદવારનું નામ સુધ્ધાં ન હતું. ગુજરાતમાં હજુય નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ પૂર્વ, જૂનાગઢ, વડોદરા અને મહેસાણા એમ કુલ મળીને સાતેક લોકસભાની બેઠકો પર ઉમેદવારોના નામો જાહેર કરવાના બાકી છે. રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા-કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા સામે પૂર્વ ધારાસભ્ય વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસે કુલ મળીને 12 ઉમેદવાર પસંદ કરવાના બાકી છે. હજુ કોંગ્રેસના ઉમેદવારોની યાદી ક્યારે જાહેર થશે તે નક્કી નથી. ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.