ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરથી ખળભળાટ
વર્ષ 1868માં અમેરિકાના બંધારણમાં 14મો સુધારો કરવામાં આવ્યો. આ સુધારા હેઠળ એવો ફેરફાર કરવામાં આવ્યો કે જે કોઈ બાળક અમેરિકાની ધરતી પર જન્મ લે એને આપોઆપ અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત થાય. એ બાળકની માતા કે પિતા ગમે તે હોય. તેઓ અમેરિકન સિટીઝન હોય, ગ્રીનકાર્ડ ધારક હોય, કોઈ પણ પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા પર અમેરિકામાં રહેતા હોય, અસાયલમ માંગ્યું હોય, રેફ્યુઝી સ્ટેટ્સ માંગ્યું હોય, અમેરિકાની મિલેટરીમાં કામ કરતા હોય કે પછી કડકડતી ઠંડીમાં કેનેડાની બોર્ડર પરથી ઘૂંટણ સુધી પગ ખૂંચી જાય એવા બરફમાં ચાલીને અમેરિકામાં ધૂસેલા હોય યા મેક્સિકોની બોર્ડર પરથી જીવનું જોખમ ખેડીને ભોંયરાઓ ખોદીને કે પછી માઈલોના માઈલો ચાલીને ભૂખ્યા-તરસ્યા રહીને અમેરિકામાં પ્રવેશ્યા હોય. ગમે તે હોય તેઓ અમેરિકામાં કાયદેસર હોય યા ગેરકાયદેસર હોય. પણ જો એ માતાઓ એમના બાળકને અમેરિકાની ધરતી પર જન્મ આપે તો એ બાળકને આપોઆપ અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત થાય છે.
બંધારણના આ સુધારાને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ‘યુનાઈટેડ સ્ટેટ્સ વર્સિસ વોંગ કિંગ આર્ક’ આ કેસમાં 1898માં માન્યતા આપી. સુપ્રીમ કોર્ટે કીધું કે ‘બર્થ રાઈટ સિટીઝનશિપ જે બંધારણમાં ઉમેરવામાં આવી છે એ બંધારણીય છે, ગેરકાનૂની નથી.’ કોન્સિટ્યુશનમાં અમુક કલમો એવી હોય છે જેનો નિશ્ચિત અર્થ શું છે એની જાણ નથી હોતી. એક જ શબ્દના અનેક અર્થો પણ થાય છે. પણ આ જે ‘બર્થ રાઈટ સિટીઝનશિપ’ છે એનો એક જ અર્થ છે. તમે અમેરિકાની ધરતી પર જન્મ લીધો હોય તો તમને અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત થશે.
અમેરિકાના બીજી વાર પ્રેસિડેન્ટ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે જે દિવસે પ્રેસિડેન્ટ પદ ધારણ કર્યું. એટલે કે 20મી જાન્યુઆરી, 2025ના દિવસે એ જ દિવસે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જેનો નંબર છે 14,160 અને શીર્ષક છે ‘પ્રોટેકટિંગ ધ મિનિંગ એન્ડ વેલ્યુ ઓફ અમેરિકન સિટીઝનશિપ’ પર સહી કરી અને ‘બર્થ રાઈટ સિટીઝનશિપ’ અટકાવી દીધી. એમણે ‘બર્થ રાઈટ સિટીઝનશિપ ઓફ 2025’નો કાયદો પણ ઘડાવ્યો અને અમેરિકાની કોંગ્રેસ સમક્ષ એ રજૂ પણ કર્યો છે.
આ એક્ઝિક્યુટિવ ઓર્ડર જેના દ્વારા અમેરિકામાં જન્મ લેતા બાળકોને અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત થાય છે એની અટકાયતને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો અને કોર્ટે આ ઓર્ડરને સ્થગિત કરી દીધો છે. આ કારણસર પ્રેસિડેન્ટ ટ્રમ્પે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. એમનું એવું કહેવું છે કે આ ‘બર્થ રાઈટ સિટીઝનશિપ’ એ એક ‘મેગ્નેટ’ એટલે કે લોહચુંબક તરીકે કાર્ય કરે છે. બાળકને અમેરિકાની સિટીઝનશિપ મળે એટલે એને અમેરિકન સિટીઝનોને જે જે લાભો મળતા હોય એ બધા લાભો મળે. અને એ બાળક જ્યારે પુખ્ત વયનું થાય ત્યારે એના માતાપિતાને, ભાઈબહેનને અને પતિ-પત્નીને અમેરિકામાં કાયમ રહેવા માટે ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટેનું પિટિશન દાખલ કરી શકે. અને તેઓ એ પિટિશન એપ્રુવ થતા અમેરિકામાં પ્રવેશી શકે. એમને ગ્રીનકાર્ડ મળી શકે. અને થોડા વર્ષો બાદ અમુક શરતોનું પાલન કરતા એમને અમેરિકાનું નાગરિકત્વ પણ પ્રાપ્ત થાય. આમ એક બાળક અનેકોને અમેરીકામાં ખેંચી લાવે.
અનેકો આને ‘એન્કર બેબી’ પણ કહે છે. એન્કર બેબી એટલે કે ‘લંગર’ ધરાવતું બાળક. એટલે જે બાળક અમેરિકાની ધરતી પર જનમ્યું હોય અને જેના કારણે એને અમેરિકાની સિટીઝનશિપ પ્રાપ્ત થઈ હોય એ બીજા અનેકોને ખેંચી લાવે છે. જેમ પાણીની અંદર લંગર નાખવામાં આવે અને એના પ્રત્યે માછલીઓ આકર્ષાય અને એમાં ભેરવાઈ જાય અને પછી માછીમારો એને ઉપર ખેંચી લાવે એ મુજબ આ અમેરિકાની ધરતી પર જે બાળકને જન્મ આપવામાં આવે એ બાળક અમેરિકન સિટીઝનશિપ પ્રાપ્ત થતા એક લંગરનું કામ કરે.
એના બીજા અનેક સગાંવહાલાંઓને એ અમેરિકામાં ખેંચી લાવે.
એમ કહેવાય છે કે વર્ષ 2018માં 9,10,462 પરદેશી સ્ત્રીઓએ એમના બાળકોને અમેરિકાની ધરતી પર જન્મ આપ્યો હતો. આથી એ બધા બાળકોને અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત થયું હતું. આમાંની 2,50,000 માતાઓ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલી હતી. એટલે લાયકાત વગરના ગુનેગારો, રોગીષ્ટો આવા લોકો પણ ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશીને એમના બાળકોને જો જન્મ આપે તો એ બાળકોને પણ અમેરિકાની સિટીઝનશિપ પ્રાપ્ત થાય. એ બાળકો ભવિષ્યમાં કેવા નીવડશે? અમેરિકાને લાભદાયી થશે કે અમેરિકાના દુશ્મન બનશે? આથી જ અમેરિકાના બીજી વાર પ્રેસિડેન્ટ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે આનો વિરોધ કર્યો છે. એની ઉપર પાબંધી મૂકી દીધી છે.
હવે ‘આજ કી તાજા ખબર’ એ છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પે જે એક્ઝિક્યુટિવ ઓર્ડર નંબર 14,160 બહાર પાડીને ‘બર્થ રાઈટ સિટીઝનશિપ’ અટકાવી દીધી એને અમેરિકાની કોર્ટોએ સ્થગિત કરી દીધી છે. આથી ટ્રમ્પે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં એ મનાઈ હુકમ વિરુદ્ધ અપીલ કરી છે. આ અપીલની સુનાવણી આવતા વર્ષે થશે. ત્યાં સુધી ટ્રમ્પનો જે મનાઈ હુકમ હતો, એક્ઝિક્યુટિવ ઓર્ડર હતો એ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આથી ટ્રમ્પે એક બીજો રસ્તો કાઢ્યો. એણે ઈમિગ્રેશન ઓફિસરોને તેમજ કોન્સ્યુલર ઓફિસરોને એવી સૂચના આપી કે તમે જે કોઈ સ્ત્રી અમેરિકામાં પ્રવેશવા ચાહતી હોય અને વિઝાની અરજી કરે ત્યારે એમની બરાબર ચકાસણી કરો. જો તમારી જાણમાં આવે કે એ સ્ત્રી ગર્ભવતી છે અથવા એનો ઈરાદો અમેરિકામાં જઈને બાળકને જન્મ આપવાનો છે. તો એને અમેરિકામાં પ્રવેશવાના વિઝા ન આપો. જો વિઝા આપ્યા હોય તો એ રદ કરો. વિઝા આપ્યા બાદ જો એ વ્યક્તિ અમેરિકામાં પ્રવેશેલી હોય તો એના વિઝા રદ કરીને એને અમેરિકા બહાર મોકલી આપો.
ટ્રમ્પે આમ ખૂબ કડક હાથે જે સ્ત્રીઓ અમેરિકામાં એમના બાળકને જન્મ આપવા પ્રવેશે છે યા તો પ્રવેશવાનું વિચારી રહ્યા છે એમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આજની આ ખાસ તાજા ખબર છે. આ હુકમ યા સૂચના હમણાં જ એટલે કે ડિસેમ્બર, 2025માં ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. આજની આ તાજા ખબર છે. જો તમારામાંથી કોઈ સ્ત્રી હોય અને એ સગર્ભા હોય અને પોતે ગર્ભવતી છે એ છુપાવીને એનો ઈરાદો અમેરિકામાં પ્રવેશીને એના બાળકને જન્મ આપવાનો હોય જેથી એના બાળકને અમેરિકાની સિટીઝનશિપ પ્રાપ્ત થાય. એને અમેરિકન સિટીઝનોને જે ફાયદાઓ મળે છે એ બધા ફાયદાઓ પ્રાપ્ત થાય અને એ બાળક જ્યારે 21 વર્ષનું થાય ત્યારે એના માતાપિતાને, ભાઈબહેનોને, એની પતિ-પત્નીને અમેરિકામાં બોલાવી શકે, ગ્રીનકાર્ડ અપાવી શકે. તેઓ ઈચ્છે તો અમેરિકાનો નાગરિક પણ બની શકે.
જો તમારો ઈરાદો આવો હોય તો મહેરબાની કરીને એ અમલમાં ન મુક્તા. અમેરિકાનું ઈમિગ્રેશન ખાતું એમના પ્રેસિડેન્ટના કહેવાથી ખૂબ જ સજાગ બની ગયું છે. કડક બની ગયું છે. આવી સ્ત્રીઓ બાળકને જન્મ આપવા ખોટું બોલીને, ગર્ભવતી છે એવું છુપાવીને અમેરિકામાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે, વિઝાની માંગણી કરશે. તો એના એ પ્રયત્નો નકામા જશે. એને વિઝા આપવામાં નહીં આવે.
આપણે હવે એ જોવાનું રહ્યું કે અમેરિકાની સુપ્રીમ કોર્ટ જેની પાસે આ પ્રશ્ન ખડો છે એ શું નિર્ણય લે છે. શું એ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર નંબર 14,160 બંધારણીય ગણશે કે એને ગેર બંધારણીય ઠરાવીને ‘બર્થ સિટીઝનશિપ’ ફરી ચાલુ રખાવશે?



