કોર્પોરેશનની વેબસાઈટ ઉપર એડવાન્સ મિલકત વેરો ભરવા કરદાતાઓનો ઘસારો
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાએ અગાઉના વર્ષોની જેમ 2022-23ના વર્ષમાં પણ એડવાન્સ મિલકત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના આજથી એટલે કે 7 એપ્રિલથી અમલમાં મુકી છે. મેયર પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમને પુષ્કર પટેલ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની આ જાહેરાતથી જ કરદાતાઓ વેબસાઈટમાં ઉમટી પડ્યા છે.
વળતર યોજનાને કારણે આજ સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટમાં ઘસારો જોવા મળ્યો છે. એડવાન્સ મિલકત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓ મોટી સંખ્યામાં હોવાથી વેબસાઈટ માત્ર ખુલ્લે છે પરંતુ ટેકનિકલ ખામીને કારણે વેબસાઈટ રકમ ભરવાની આગળની પ્રક્રિયામાં સપોર્ટ કરી રહી નથી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022-23માં તા.31 મે સુધી એડવાન્સ મિલકત વેરો ભરનાર મિલકતધારોને 10 ટકા વળતર, મહિલા મિલકત ધારોને વધારાના 5 ટકા વળતર અને 30 જૂન સુધી એડવાન્સ મિલકત વેરો ભરનારને 5 ટકા અને મહિલા મિલકત ધારકને 5 ટકા વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કનેક્ટિવિટી અને સર્વરના લીધે ઈશ્યુ થયો છે: પુષ્કર પટેલ
રાજકોટ મહાનગરપાલિકાએ અગાઉના વર્ષોની જેમ 2022-23ના વર્ષમાં પણ એડવાન્સ મિલકત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના આજથી એટલે કે 7 એપ્રિલથી અમલમાં મુકી છે. પરંતુ ટેકનિકલ ખામીને કારણે વેબસાઈટ રકમ ભરવાની આગળની પ્રક્રિયામાં સપોર્ટ કરી રહી નથી. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઈન્ટરનેટ ધીમું હોવાના અને સર્વર ડાઉનના કારણે આ ખામી સર્જાઈ છે તેમાં મહાનગરપાલિકાનો કોઈ ઈસ્યુ નથી. કનેક્ટિવિટી ન થવાના કારણે રકમ ભરવાની પ્રક્રિયા આગળ વધી નથી રહી છતા જે તે વિભાગને સૂચના આપીને નિરાકરણ લાવીશું
- Advertisement -
જે લોકો ટેક્સની ચોરી કરી રહ્યાં છે તેને શાસકો છાવરી રહ્યા છે
આજથી શરૂ થયેલા એડવાન્સ મિલકત વેરા અંગે કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, જે લોકો નિયમીતરૂપે વેરો ભરે છે તેને વધારાના ટેક્સ ડિસ્કાઉન્ટની વાત જનરલ બોર્ડમાં કરી હતી પરંતુ શાસકોની મિલીભગતના લીધે થયું નહીં. વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે, ઓપો-વીવોના બોર્ડનો લાખો રૂપિયાનો વેરો બાકી છે જેમાં તંત્રએ ઉદાસીનતા દાખવી છે જ્યારે હવે એ મુદ્દો હાઈકોર્ટમાં ગયો હોવાથી ટેક્સના પૈસા લટકી ગયા છે. ગત વર્ષે પણ લક્ષ્યાંક કરતા સાવ ઓછી ટેક્સની વસૂલાત થઈ છે. શાસકો આવા મોટી કંપનીઓને બચાવી રહી છે જ્યારે નાના કરદાતાઓને દંડ ફટકારે છે



