રેખા પટેલ-ડેલાવર
નાનાં બાળકોને સાચવણી સાથે પ્રેમ, સુરક્ષા અને લાગણી આપવી જરૂરી છે. તેઓ સુરક્ષિત છે એવી ખાતરી મળે તો તેમનો આત્મવિશ્વાસ વધે છે અને ઉછેર સારી રીતે થાય છે. બહુ ઝડપથી નવી વસ્તુઓને આવકારી શકે છે. બાળકો પરિસ્થિતિ અને સમજદારી સમજી શકતા નથી.
સહુથી પહેલા તેમનામાં ગુસ્સાનો સ્વભાવ જન્મે છે એજ કારણે જીદને બાળહઠ સાથે સંકળી દેવાઈ છે. જ્યારે બાળક તોફાને ચડે ત્યારે ગુસ્સે થવાને બદલે પ્રેમથી આંખમાં આંખ નાખી સમજાવા જોઈએ. વારંવાર તેમની જીદ પૂરી કરવામાં આવે તો પણ તેઓની જીદ આદત બની જાય છે.
આમ છતાં રડીને તોફાન કરે ત્યારે લાગણીઓને કાબુમાં રાખી બાજુએ મૂકી તેમને થોડીવાર એકલા છોડી દેવા જોઈએ. આમ કરતા નજર હેઠળ રાખવા ખુબ જરૂરી છે. મોટા થતા સમજદારી વધતા જીદ અને ગુસ્સો ઓછો થતો જાય છે.
બીજું જરૂરી છે ધીરજ કારણ તેમની જિજ્ઞાસા ધણી વધારે હોય છે. નાનાં બાળકો વારંવાર પુછે છે આ શું છે?, આ કેમ છે? – તેમને સમજાવવા માટે ધીરજ રાખવી જરૂરી છે. જ્યારે ટીનએજર થતાં બાળકોને કોઈ વાત સમજાવવામાં આવે ત્યારે તેનું રીએક્શન અલગ આવે છે. એકની એક વાત વધુ કહેવામાં આવે તો તેઓ ઉશ્કેરાઈ જાય છે. યુવાન થતાં બાળકોને સમજાવવું ઓછું અને સાંભળવું વધારે, તો બહુ ઝડપથી તેમના મિત્ર બની શકાય છે. આજ એક પહેલો રસ્તો છે કે તેમની નજીક જઈને સાચું માર્ગદર્શન આપી શકાય છે.
ટીનેજરને જ્યારે તમે ધ્યાનથી સાંભળો છો, ત્યારે તેઓ પણ તમારી વાત સહેલાઈથી સ્વીકારે છે. પુખ્ત થતા જતા તેમના વિચારો અને શક્તિઓ ધસમસતા પાણીના વેગ જેવી હોય છે. અચાનક બાંધી દેવાથી ઓવરફલો થઇ વિનાશ વેરે તેવી ઉગ્ર સ્થિતિ ના બને તે માટે તેમની સાથે નજદીકી કેળવવી જોઈએ. તેમને ખોટા પુરવાર કરવાની ઉતાવળ ક્યારેય ના કરવી.
નાના બાળકોને નજીક લાવવા અને શીખવવા માટે અલગ અલગ રમતો, વાર્તા, ગીતો દ્વારા શિક્ષણ આપવામાં સરળતા રહે છે. નાનાં બાળકો મોટા લોકોનું અનુસરણ કરે છે, તેથી મમ્મી-પપ્પા કે શિક્ષકનું વર્તન તેમના વિકાસમાં ખૂબ મહત્વ ધરાવે છે. નાના બાળકો સામે બોલાએલા સારા કે ખોટા શબ્દો તેમના દ્વારા સામે ફેકાય છે, આથી કેળવણીમાં આ બાબત ખુબ ધ્યાનમાં રાખવા જેવી છે.
ટીનેજરો સાથેનાં વ્યવહારમાં તેમને ઈન્ડીપેન્ડન્સ સમજી તેમના વિચારોને મહત્વ આપવું જોઈએ. આપણે ભલેને જાણીએ કે તેમની ભૂલ છે છતાં સીધી આંગળી ચીંધવાને બદલે વાત સાંભળી, આ માત્ર પોતાનો વિચાર છે મત છે એમ કહી સત્ય છતું કરવું જોઈએ. અત્યારની જનરેશનનાં બાળકો આમ પણ હોશિયાર હોય છે, નવું અપનાવવા હંમેશાં તૈયાર હોય છે બસ આપણને શીખવતા આવડવું જોઈએ.
(13 થી 19 વર્ષ ખુબ નાજુક અવસ્થા છે. તેઓ પોતાની અલગ ઓળખ બનાવવા માગે છે. તો વિશ્વાસ સાથે ફ્રીડમ આપવી જરૂરી છે. છતાં ચુપચાપ તેમની હરકતો ઉપર ધ્યાન પણ રાખવું જોઈએ જેથી સમય આવે તેમને સાચવી શકાય. હા! માર્ગદર્શન આપવું, બસ વધારે પડતું નિયંત્રણ રાખવું નહીં. ખાસ કરીને તેઓ મિત્ર કોને બનાવે છે, ક્યાં જાય છે, વગેરે બાબતે ઘેરી નજર રાખવી પરંતુ વિશ્વાસ પણ મૂકવો જોઈએ. નાનીનાની વાતોમાં તેમને ટોક્યા વિના સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
જેમ કે ટીનેજર બાળક મિત્રના ઘરે રાત્રી રોકાણ માટે વાત કરે ત્યારે સીધું નાં ન કહેતા ત્યાં કોણ હશે? કોની નજર હેઠળ હશે વગેરેને ચકાસી પછી જવાબ આપવો. મોટા થતા બાળકની પ્રાઈવસીનો આદર કરવો જોઈએ. ટીનેજર બાળક રૂમમાં એકલું હોય ત્યારે દરવાજો ખખડાવીને અંદર જવું જોઈએ. આ તેના આગવા વ્યક્તિત્વનો ભાગ છે. જરૂર લાગે ચુપચાપ હરકતો ઉપર ઘ્યાન રાખી શકાય છે છતાં તેમને આ વાતની શંકા નાં આવે તેનો ખ્યાલ રાખવો જોઈએ.
ભૂલ થઇ હોય તો સીધા ગુસ્સે થવાને બદલે તેમ થવાનું કારણ તેના મ્હોએ સાંભળવું ખાસ જરૂરી છે. એ પછી ખેર થવાનું થઇ ગયું હવે તેને સુધારવા શું કરવું એ વિષે ચર્ચા કરવી જોઇયે જેમકે….
હું જાણું છું કે તું હતાશ છે. કહે તને કઈ જગ્યાએ વધુ મદદ જોઈએ છે. આપણે સાથે પ્લાન બનાવીએ.
દિશાસૂચન, પ્રેમભર્યા માર્ગદર્શન દ્વારા બાળકને યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો તફાવત સમજાવવામાં આવે તો ઝડપથી બે જનરેશન વચમાંની ગેપ ઓગળી શકે છે. બાકી અતિ ઝડપી બદલાતી ટેકનોલોજી અને વિચારોને કારણે આજકાલ 10 વર્ષમાં પણ જનરેશન ગેપ આવી જાય છે.ટૂંકમાં મિત્ર બનવાની કોશિશ કરવી.
નાના બાળકોને પણ શિસ્તમાં રાખવાનો ખોટો પ્રયત્ન ના કરવો જોઈએ. તેમનો વિકાસ રૂંધાઇ જાય છે. ચીસો પાડવી, રડવું, ગુસ્સે થવું, રીસાવું, છુટ્ટી વસ્તુ ફેકવી આ બધું તેમના બાળ સ્વભાવમાં સ્વાભાવિક છે. તેમની સામે બુમ પાડવી, વસ્તુ ખેંચી લેવી કે ધમકાવવાની ભૂલ નાં કરવી જોઈએ. મોટાભાગે ઉગ્ર વાણી કે વર્તનથી બાળકને શરમ, ભય કે હતાશાની લાગણી થાય છે.
બાળકોને દિશા બતાવવી આપણા પ્રેમ અને જવાબદારીનો અભિન્ન ભાગ છે. ગુસ્સાથી નહીં પરંતુ સમજાવટથી દિશાસૂચન આપવાથી બાળકની અંદર નિર્ણયશક્તિ, જવાબદારી અને આત્મવિશ્વાસ વિકસે છે. ભલેને નાનું હોય કે ટીનેજર હોય પરંતુ શાંતિથી સમજાવી શકાય તો તેની અસર વધારે પડે છે. ગુસ્સો ઘટનાઓને ઉગ્ર બનાવે છે અને જાણે અજાણે દુર થતા જાય છે. પેરેન્ટ્સ સાથે વિચારોથી આવતી દુરી મતભેદ અને અંતમાં મનભેદ થઇ શકે છે જે કોઈ રીતે આવકાર્ય નથી.
પ્રથમ માતાપિતા અને પછી મિત્ર બનવામાં જીવનનો આનંદ વધી જાય છે.
- Advertisement -
નાનાં બાળકો અને ટીનએજરને દિશા બતાવવા માટે ધીરજ અને પછી પ્રેમ બંનેની સરખી જરૂરીયાત છે છતાં 1 થી 8 વર્ષના બાળકો અને ટીનએજર વચ્ચે કરતા વ્યવહારમાં ઘણો તફાવત છે