પ્રીવ્યૂ શૉમાં જ 35 કરોડની કમાણી: અનેક થિયેટરમાં ટેક્નિકલ ખામી છતાં ફિલ્મનો ક્રેઝ ચરમસીમાએ: 2024માં આવેલી ‘સ્ત્રી 2’નો રેકોર્ડ તોડ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બોલીવૂડના બોક્સ ઑફિસ પર હાલ ‘ધુરંધર 2’નો જબરદસ્ત જાદુ જોવા મળી રહ્યો છે. સાડા ત્રણ મહિનાની લાંબી રાહ બાદ ફિલ્મ 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, પરંતુ રિલીઝ પહેલા જ 18 માર્ચના પ્રીવ્યૂ શોમાં ફિલ્મે કમાણીના નવા રેકોર્ડ બનાવી દીધા છે. પ્રીવ્યૂ શો માટે થયેલા એડવાન્સ બુકિંગમાં જ ફિલ્મે 42 કરોડ રૂપિયા જેટલું ગ્રોસ કલેક્શન નોંધાવ્યું હતું, જેનાથી ફિલ્મની શરૂઆત પહેલાં જ સુપરહિટની ઝલક મળી ગઈ હતી. જોકે, કેટલીક જગ્યાએ ટેક્નિકલ વિલંબ અને ક્ધટેન્ટ મોડું પહોંચવાના કારણે અનેક શો રદ કરવાના પડ્યા હતા. કેટલાક થિયેટર્સમાં શો ઇન્ટરવલ પછી આગળ ચાલી શક્યા નહોતા, જ્યારે કેટલીક સ્ક્રીનો પર એક શો ચાલ્યો તો બીજો કેન્સલ થયો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થિયેટર્સે દર્શકોને રિફંડ આપ્યા હતા, જેના કારણે અંતિમ આંકડા થોડા ઘટી શકે છે. છતાં અંદાજ મુજબ ‘ધુરંધર 2’એ પ્રીવ્યૂ શોથી ઓછામાં ઓછા 35 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે પોતે જ એક મોટું સિદ્ધિરૂપ આંક છે. આ કમાણી સાથે ‘ધુરંધર 2’એ બોલીવૂડના પ્રીવ્યૂ કલેક્શનના બધા જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. અગાઉ 2024માં આવેલી ‘સ્ત્રી 2’એ પ્રીવ્યૂ શોમાં લગભગ 11 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું, પરંતુ ‘ધુરંધર 2’એ તેને ત્રણ ગણાથી પણ વધુ પાછળ મૂકી દીધું છે. ખાસ વાત એ છે કે, ‘ધુરંધર 2’નું ફક્ત પ્રીવ્યૂ કલેક્શન જ ડિસેમ્બર 2025માં આવેલી તેની પહેલી ફિલ્મ ‘ધુરંધર’ના ઓપનિંગ ડે (લગભગ 33 કરોડ) કરતા વધુ છે. આથી સ્પષ્ટ થાય છે કે સિક્વલ માટે દર્શકોમાં કેટલો ઉત્સાહ છે. ફિલ્મનો આ જબરદસ્ત ક્રેઝ ડિરેક્ટર આદિત્ય ધરની મજબૂત ફિલ્મમેકિંગ સ્ટાઇલ અને પહેલી ફિલ્મની સફળતાને કારણે છે. પહેલી ફિલ્મે લાંબા સમય સુધી દર્શકોને બાંધ્યા રાખ્યા હતા, અને હવે બીજી ફિલ્મ તેની કરતાં વધુ વિશાળ અને લાંબી હોવા છતાં દર્શકોમાં ઉત્સુકતા જળવાઈ રહી છે. હાલની સ્થિતિ જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે ‘ધુરંધર 2’ના ફર્સ્ટ ડે કલેક્શન પણ નવા ઇતિહાસ રચી શકે છે. પ્રીવ્યૂ શોમાં જ સર્જાયેલા આ તોફાનને જોતા, બોક્સ ઓફિસ પર ફિલ્મ લાંબા સમય સુધી રાજ કરશે તેવા સંકેતો મળી રહ્યા છે.
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં શૉ દરમિયાન હંગામો
રાજકોટ શહેરના ક્રિસ્ટલ મોલમાં ચાલી રહેલી ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ના શો દરમિયાન વિવાદાસ્પદ પરિસ્થિતિ સર્જાઈ હતી. ફિલ્મ માટે ભારે ક્રેઝ વચ્ચે મોટી સંખ્યામાં પ્રેક્ષકો મોલ ખાતે ઉમટી પડ્યા હતા, પરંતુ હાઉસફુલના બોર્ડ વચ્ચે ઘણા દર્શકોને એન્ટ્રી ન મળતા તંગદિલીનું વાતાવરણ ઉભું થયું હતું. અનેક પ્રેક્ષકોએ ઓનલાઇન બુકિંગ મારફતે અગાઉથી ટિકિટ ખરીદી હોવા છતાં તેમને શોમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.



