4 માર્ચની ધો. 10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા હવે 18 માર્ચના રોજ યોજાશે; ધો. 12 વિજ્ઞાન પ્રવાહના જીવ વિજ્ઞાનની પરીક્ષા 16 માર્ચે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (ૠજઊઇ) દ્વારા સમયપત્રકમાં થયેલી ભૂલનો આખરે સ્વીકાર કરવામાં આવ્યો છે અને ધુળેટીની જાહેર રજાના દિવસે લેવાનારી પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડે અગાઉ 4 માર્ચે બોર્ડની પરીક્ષાનું આયોજન કર્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસમાં મુકાયા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ 2023માં પણ ચેટી ચાંદના દિવસે પેપર રાખવામાં આવ્યું હતું, ત્યારબાદ રજૂઆતોના આધારે ફેરફાર કરાયો હતો. આ વખતે ધુળેટીની રજાને કારણે આ ભૂલ સુધારવામાં આવી છે.
હવે બોર્ડ દ્વારા સુધારેલું નવું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે
ધોરણ 10: 4 માર્ચના રોજ યોજાનારી સામાજિક વિજ્ઞાનની પરીક્ષા હવે 18 માર્ચના રોજ લેવામાં આવશે.
ધોરણ 12 (સામાન્ય પ્રવાહ): 4 માર્ચે યોજાનારી નામાના મૂળતત્વો, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, વાણિજ્ય સંચાલન, સમાજશાસ્ત્ર સહિતની મુખ્ય પરીક્ષાઓ પણ હવે 18 માર્ચના રોજ યોજાશે.
ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ): 4 માર્ચે યોજાનાર જીવ વિજ્ઞાનની પરીક્ષા હવે 16 માર્ચના રોજ બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.



