ગામના સરપંચે અનેક રજૂઆત કરી પરંતુ ખનિજ વિભાગે કોઈ કાર્યવાહી ન કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ખનિજ ચોરી હવે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહી છે. કોલસો, પથ્થર, સફેદ માટી, રેતી સહિતનું ખનિજ જમીનના પેટાળમાંથી કાઢી ચોરી કરવામાં આવે છે. આ મામલે વારંવાર કેટલાય જાગૃત નાગરિકો અને ગ્રામજનો રજૂઆત કરી રહ્યા છે પરંતુ આ રજૂઆતના અંતે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે છેલ્લા કેટલાય સમયથી ચાલતા ગેરકાયદેસર રેતી વોશના પ્લાન્ટ સામે ગામના જ સરપંચ રતનસિંહ ઠાકોર અનેક રજૂઆત કરી ચૂક્યા છે જેમાં સ્થાનિક તંત્રથી માંડીને છેક મુખ્યમંત્રી સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે જે રજૂઆત બાદ જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમ રાવળીયાવદર ગામે આવે છે અને મંજૂરી ધરાવતા વોશ પ્લાન્ટને જઈ પોતાની કાર્યવાહી દર્શાવે છે પરંતુ ખરેખર જ્યાં એકદમ ગેરકાયદેસર રેતીના વોશ પ્લાન્ટ ચાલે છે તેના પર કોઈ કાર્યવાહી થઈ નથી. રાવળીયાવદર ગામના સરપંચ દ્વારા પણ ખનિજ વિભાગ પર અનેક સવાલો ઉઠાવ્યા છે જેમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજેય ગેરકાયદેસર વોશ પ્લાન્ટ ધમધમી રહ્યા હોવાનું જણાવાયું છે. આ ગેરકાયદેસર વોશ પ્લાન્ટ ચલાવતા માફીયાઓ જાણે ખનિજ વિભાગને પણ ગાંઠતા ન હોય તેમ કોઈ ડર વગર રેતીનું ગેરકાયદેસર ખનન કરે છે. અહીં એક અથવા બે નહીં પરંતુ પાંચેક જેટલા વોશ પ્લાન્ટ તદ્દન ગેરકાયદેસર ચાલી રહ્યા છે આ દરેક વોશ પ્લાન્ટમાં સરકારી જમીનમાંથી રેતી ખનન કરીને વોશ પ્લાન્ટમાં ઉપયોગ લેવાય છે. રાત્રીના સમયે લોડર , જે.સી.બી અને ડમ્ફર વતી રેતીનું ખનન કરાય છે જ્યારે દિન દહાડે રેતીનો વોશ કરવાની પ્રક્રિયા હાથ ધરાય છે ત્યારે રાવળીયાવદર ગામે ચાલતા ગેરકાયદેસર રેતી વોશના પ્લાન્ટ સામે મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરાઈ બાદ ખાણ ખનિજ વિભાગ હવે પોતાની કામગીરી હાથ ધરે તેવી સરપંચ અને ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
- Advertisement -
રાવળીયાવદર ગામે ક્યાં – ક્યાં ચાલે છે ગેરકાયદે વૉશ પ્લાન્ટ?
રાવળીયાવદર ગામે આવેલા ખોડીયાર માતાજીના મંદિર તરફથી ઉત્તર અને દક્ષિણ દિશામાં સામ સામે બે ગેરકાયદે વોશ પ્લાન્ટ, જ્યારે એક ખોડિયાર માતાજીના મંદિરની બરોબર સામે ચાલે છે આ સાથે મંદિરથી આગળ નદી તરફ જતા વધુ બે રેતીના વોશ પ્લાન્ટ ધમધમે છે એમ કુલ મળી પાંચેક જેટલા ગેરકાયદે વોશ પ્લાન્ટ શરૂ કરાયા છે.



