ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા બાદ જૂનાગઢ-જેતપુરમાં આચરેલું કૃત્ય
પોલીસે ગુનો નોંધી મદદગારી કરનાર તરુણના માતા-પિતાની પણ કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
જેતપુરની સગીરાનું અપહરણ કરી ધોરાજીના સગીરે દુષ્કર્મ આચાર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે તરૂણ અને તરૂણી ઇન્સ્ટાગ્રામ થકી સંપર્કમાં આવ્યા બાદ સગીર સગીરાને ભગાડી જૂનાગઢ અને ધોરાજી લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચરેલ હતું. ભોગ બનનાર અને આરોપી બંને તરૂણ હોય પોલીસ પણ દ્વિધામાં મુકાઈ હતી. જોકે આ ગુનામાં મદદગારી કરનાર આરોપી સગીરના માતા – પિતાની પણ ધરપકડ કરાઈ છે.
- Advertisement -
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, જેતપુર ખાતે રહેતી સગીરાને ધોરાજીના સગીર સાથે સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ થકી સંપર્ક થયો હતો બંને ચેટ કોલિંગ કરવા લાગ્યા હતા. સગીરે ભોગ બનનારને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી પછી આરોપીએ જેતપુર ખાતે આવી સગીરાનું અપહરણ કર્યું હતું.
બંને થોડા દિવસ જૂનાગઢ રહ્યા હતા. ત્યાંથી સગીરના ઘરે ધોરાજી આવ્યા હતા અહીં પણ તેવો થોડા દિવસ રહ્યા બાદ પોલીસને જાણ થતા પોલીસ સગીરના ઘરે પહોંચી હતી. જ્યાંથી સગીરાને મુક્ત કરાવી હતી. તેનું મેડિકલ ચેક અપ અને કાઉન્સિલિંગ કરાતા જૂનાગઢ ખાતે અને ધોરાજી ખાતે સગીરે ભોગ બનનાર સગીરા સાથે દુષ્કર્મ આચાર્યું હોવાનું જાણવા મળેલ. આ ઉપરાંત સગીર જયારે ભોગ બનનારને તેના ઘરે ધોરાજી લાવ્યો હતો ત્યારે સગીરના પિતા મહેન્દ્રભાઈ અને માતા વર્ષાબેને પોલીસને જાણ ન કરી બંનેને ઘરમાં આશરો આપ્યો હોય, જેથી તે બંનેને મદદગારીના આરોપસર પોલીસે અટકાયતમાં લીધા છે. આ અંગે જેતપુર સિટી પોલીસ મથકે પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. વધુ તપાસ પીઆઇ પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.