ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરેમન ધનસુખ ભંડેરી તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજે શહેરીજનોને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણ જે વિષ્ણુના અવતાર છે.
શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ) એટલે કે શ્રીકૃષ્ણના જન્મદિવસને ગોકુલઅષ્ટમી તરીકે ઉજવાય છે ત્યારે સમગ્ર ભારતભરમાં ખુબ જ ઉત્સાહથી ઉજવાતો આ તહેવાર કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે લોકો ઘરમાં તેમજ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરે છે અને સમગ્ર જનસમુદાય કૃષ્ણભક્તિમાં લીન થાય છે. શ્રી કૃષ્ણ ભગવાન આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપૂર્ણ થઈને અવતરીત થયા હતા, તેમણે જે પણ કાર્યો કર્યા એ ઈતિહાસમાં મહત્વપૂર્ણ કાર્યો તરીકે બધે ગવાય છે. પૃથ્વી પરથી બધાજ પાપીઓનો નાશ કરી દેવાના ઉદેશને પરિપૂર્ણ કરવા માટે તેમણે સામ દામ દંડ ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો. શ્રી કૃષ્ણે કરેલી લીલાઓ અપાર છે. શ્રી કૃષ્ણએ દરેક હિન્દુના માનીતા આરાધ્ય દેવ છે. ભારતના ગામેગામ શ્રી કૃષ્ણની અને રાધા કૃષ્ણની વિવિધ અંગભંગી વાળી સુંદર મુર્તિઓ અને રંગીન આકર્ષક ફોટાઓ મંદિરોમાં અને ઘરે ઘરે ભક્તિભાવથી પૂજાય છે.

- Advertisement -
શહેરોના મંદિરો-હવેલીઓમાં આજેપણ રાત્રે ૧૨ વાગ્યે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી, જય રણછોડ, જય માખણચોર’ના નાદ સાથે કૃષ્ણજન્મને વધાવવા બાળકો યુવાઓ મહીલાઓ વૃધ્ધોમાં જે અદમ્ય ઉત્સાહ જોવા મળે છે. ત્યારે જન્માષ્ટમીના આ પાવન પર્વને ઉત્સાહ અને ઉમંગથી ઉજવવા સમગ્ર સૌરાષ્ટ્રભરમાં થનગનાટ જોવા મળે છે ત્યારે ધનસુખ ભંડેરી અને નિતીન ભારાજે શહેરીજનોને જન્માષ્ટમી પર્વની ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી.



