ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત પોલીસની પ્રતિષ્ઠિત ડીજીપી કપ હોકી લીગ કમ નોકઆઉટ ટૂર્નામેન્ટનો મંગળવારથી પ્રારંભ થયો છે. રાજકોટના રેસકોર્સ મેદાન સ્થિત મેજર ધ્યાનચંદ એસ્ટોટર્ફ હોકી ગ્રાઉન્ડ પર રમાનાર ટૂર્નામેન્ટમાં ગુજરાત પોલીસની રાજકોટ સિટી અને રેન્જ, વડોદરા સિટી અને રેન્જ, અમદાવાદ સિટી અને રેન્જ, ભાવનગર રેન્જ, સુરત સિટી તેમજ એસઆરપીની ટીમ, જ્યારે મહિલા ટીમમાં રાજકોટ સિટી અને રેન્જ તેમજ ભાવનગર રેન્જની ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહી છે. મંગળવારે સાંજે રાજકોટ પોલીસ કમિશનરે ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટ સિટી પોલીસ અને હોકી રાજકોટના નેજા હેઠળ શરૂૂ થયેલી હોકી ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે પહેલો મેચ વડોદરા સિટી અને ભાવનગર રેન્જ વચ્ચે રમાયો હતો. જે મેચના અંતે વડોદરા સિટીએ 6-1થી ભાવનગર રેન્જને પરાજિત કર્યું હતું. બીજો મેચ યજમાન રાજકોટ સિટી અને એસઆરપી વચ્ચે રમાયો હતો. રાજકોટના ભગીરથસિંહ ખેરે પ્રથમ ગોલ કર્યા બાદ એસઆરપીએ વળતો પ્રહાર કરી પેનલ્ટી કોર્નરમાં ગોલ ફટકારી બરોબરી કરી હતી. જેને કારણે મેચ રોમાંચક બની ગયો હતો અને છેલ્લે વિરેન્દ્રસિંહ રાણાએ ગોલ કરી રાજકોટને જીત અપાવી હતી.