જગ વિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે ગતરોજ મોટી દુર્ઘટના ટળી
પાવાગઢમાં રોપ-વેનો કેબલ ઉતરી જવાના મુદ્દે ઉષા બ્રેકો કંપનીના મેનેજર વિનોદ પ્રસાદની પ્રતિક્રિયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જગ વિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે ગતરોજ મોટી દુર્ઘટના ટળી હતી. પાવાગઢમાં રોપ-વેનો કેબલ ટ્રેક પરથી ઉતરી જતાં યાત્રાળુઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે ઘટનાને પગલે રોપ-વેના ઉડન ખટોલામાં બેઠેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. પાવાગઢમાં રોપ-વેનો કેબલ ઉતરી જવાના મુદ્દે ઉષા બ્રેકો કંપનીના મેનેજરની પ્રતિક્રિયા સામે આવી છે. ઉષા બ્રેકો કંપનીના મેનેજર વિનોદ પ્રસાદે સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગઈકાલે સાંજે 7.30 વાગ્યાની આસપાસ રોપ-વેના પોલ નંબર 5 પર ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જે બાદ અમારી ટેક્નિકલ ટીમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. ટેક્નિકલ ખામીને રાત્રે જ રિપેર કરી દેવામાં આવી હતી. જે બાદ રોપ-વે સેવા ફરી શરૂ કરવામાં આવી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ઉષા બ્રેકો દ્વારા યાત્રાળુઓના અવર-જવર કરવા માટે રોપ-વે સેવાનું સંચાલન કરવામાં આવે છે, ત્યારે ગઈકાલે મોડી સાંજે અચાનક રોપ-વેનો કેબલ નીકળી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ અચાનક સર્જાયેલા આ બનાવને પગલે ઉપરથી નીચે આવી રહેલા યાત્રાળુઓ ઉડન ખટોલામાં ફસાયા હતા. આ ઉડન ખટોલા અચાનક બંધ થઈ જવાના કારણે યાત્રાળુઓમાં જીવ ટાળવે ચોટ્યો હતો. અચાનક કેમ રોપ-વે બંધ થઈ ગઈ હતી, તેનું કારણ યાત્રાળુઓને જાણવા મળ્યું ન હતું. 40 મિનિટ બોગીમાં બેસી રહ્યા બાદ તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા 40 મિનિટ ફસાયેલા યાત્રાળુઓ અત્યંત ગુસ્સે ભરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ મહિના ઓગસ્ટમાં રોપ-વેની મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી. જોકે, મેઈન્ટેનન્સની કામગીરીને લઈ 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી રોપ-વે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. મેઈન્ટેનન્સની કામગીરી કર્યાને માત્ર ગણતરીના દિવસો જ થયા છે ત્યારે ફરી ખામી સર્જાઈ હતી.