ગુરુપૂર્ણિમાના પાવન અવસરે વહેલી સવારથી દર્શનાર્થીઓની લાઇનો: ‘બોલ મારી અંબે જય જય અંબે’ના જયઘોષથી પરિસર ગુંજ્યુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શક્તિપીઠ અંબાજી મંદિરમાં અષાઢી પૂનમ અને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિમય માહોલ સર્જાયો છે. વહેલી સવારથી જ માતાજીનાં દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
તો બીજી તરફ ગિરનાર પર્વતના પાવનકારી ખોળે આવેલા ભવનાથ ક્ષેત્રમાં પણ આજે ગુરુપૂર્ણિમાની ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. પરંપરા મુજબ, આ પવિત્ર પર્વ અહીં અત્યંત ધામધૂમથી ઉજવાય છે, જ્યાં હજારોની સંખ્યામાં શિષ્યો પોતાના ગુરુ પ્રત્યેની અતુટ શ્રદ્ધા વ્યક્ત કરવા ઉમટી પડ્યા હતા.
મંદિરના મુખ્ય પૂજારી દ્વારા પ્રાત:કાળે મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતીનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ આ દિવ્ય આરતીનો લાભ લીધો હતો. ’બોલ મારી અંબે જય જય અંબે’ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યો હતો. અંબાજી મંદિરમાં વિશેષ આરતી ક્રમ અનુસરવામાં આવે છે.
અંબાજી મંદિરમાં શક્તિ દ્વાર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. મંદિરને આ ખાસ અવસર માટે રંગબેરંગી ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. આજે સૌપ્રથમ ગણપતિબાપાની આરતી થઇ ત્યાર બાદ મા અંબાજીની મંગળા આરતી યોજાય હતી. મંગળા આરતી પછી મહાદેવની આરતી કરવામાં આવે છે. આમ, શક્તિની આરાધના બાદ શિવની આરાધના કરવામાં આવે છે.
દરરોજ હજારો-લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાનાં દર્શને આવે છે. આજે ખાસ ગુરુપુર્ણિમાના વિશેષ દિવસે મંદિર પરિસરમાં અનેરો ભક્તિભાવ જોવા મળ્યો હતો. ભક્તો માતાજીનાં ચરણોમાં શિશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે. ભક્તો મંદિરમાં દર્શન કર્યા બાદ માતાજીના મૂળ સ્થાનક ગબ્બર ખાતે પણ દર્શન કરવા જાય છે. આ રીતે અષાઢી પૂનમના દિવસે અંબાજી મંદિર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું છે.
ગિરનાર પર્વતના પાવનકારી ખોળે આવેલા ભવનાથ ક્ષેત્રમાં આજે ગુરુપૂર્ણિમાની ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. ભવનાથના મુખ્ય આશ્રમો જેવા કે ગૌરક્ષનાથ આશ્રમ, ભારતી આશ્રમ, રુદ્રેશ્ર્વર જાગીર, મહાદેવપથ ભારતી આશ્રમ સહિત અનેક સ્થળોએ આસ્થા અને વિશ્ર્વાસના વાતાવરણમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી થઈ. શિષ્યોએ ભાવપૂર્વક ગુરુના ચરણોમાં ફૂલ, નાળિયેર, ફળ અને દક્ષિણા અર્પણ કરીને વંદના કરી હતી. ગુરુઓએ પણ પોતાના શિષ્યોને જીવનના સાચા માર્ગનો ઉપદેશ આપીને આશીર્વાદ વરસાવ્યા હતા.