ગણપતિ મહોત્સવને આ વખતે સરકારે પરવાનગી આપતા ગણેશભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લોકોએ બાપ્પાને આવકારવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ખાસ કરીને ગણપતિજીની મૂર્તિના શણગાર અને આભૂષણો પાછળ લોકો ખૂબ ખર્ચો કરે છે. બાપ્પાના શણગાર અને આભૂષણો પાછળ લોકો લાખો રૂપિયા ખર્ચતા હોય છે.
ગણપતિ મહોત્સવમાં ભલે આ વખતે સરકારે મોટા આયોજનોની પરવાનગી નથી આપી. પરંતુ ગણેશભક્તો બાપ્પાના શણગાર પાછળ લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. બાપ્પાના આભૂષણો મુગટ, હાથના ઘરેણાં અને ગળાના ઘરેણાંમાં મોતી, જરદોશીનો ઉપયોગ કરીને બનાવ્યા છે. અને તેની કિંમત 2000 થી લઈને 100000 રૂપિયા સુધી જાય છે. સુરતના અંબિકા નિકેતન પાસે રહેતા અને ગણપતિજીના આભૂષણો બનવવાનું કામ કરતા પરિમલભાઈ ગજ્જર કહે છે કે “લોકો ભગવાનના શણગાર પાછળ લાખો રૂપિયા ખર્ચ કરે છે. ગયા વર્ષે તો કોરોનાના કારણે ઉજવણી શક્ય ના હતી.
પરંતુ આ વર્ષે જ્યારે સરકારે છૂટ આપી છે. ત્યારે લોકો એ તૈયારી શરૂ કરી દીધી છે. જો કે સરકારે મોડે મોડે છૂટ આપી છે. મારી પાસે સુરત, નવસારી, તાપી અને ભરૂચથી લોકો આભૂષણો બનાવડાવે છે. હું જરદોશી, મેટલ અને અન્ય વસ્તુઓમાંથી આ આભૂષણો બનાવું છું. ઘણીવાર ડાયમંડનો પણ શણગાર કરાવે છે. 2000 થી 100000 સુધીનો ખર્ચો લોકો કરે છે. 4 ફૂટ સુધીની મૂર્તિઓમાં શણગાર કરવામાં મુશ્કેલી પડે છે. કારણકે તેમાં ઝીણવટભર્યું કામ કરવુ પડે છે. ઘરેણાં બનાવતા 4 થી 5 દિવસ નીકળી જાય છે. આ વર્ષે પણ લોકો મોટા પ્રમાણમાં આભૂષણો પાછળ ખર્ચો કરી રહ્યા છે.પરિમલ ભાઈ ગણપતિ ઉજવણી બાદ ફૂલ અને અન્ય સામગ્રી પોતાના ગ્રાહકો પાસે પાછી લઇ લેતા હોય છે. અને તેનો ઉપયોગ ખાતર બનાવવા ઉપયોગ કરે છે. તેઓ આ સામગ્રી મનપા ને આપે છે. જેથી સ્વચ્છતા પણ રહે તેનો ઉપયોગ થઈ શકે.


