હિરાસર એરપોર્ટ સાથે સ્વ. વિજયભાઈ રૂપાણીનું નામ જોડવા માટે ભલામણ ઠરાવ
જેતપુર તાલુકાની શાળામાં અકસ્માત મામલે વિદ્યાર્થીના વાલીને 1.60 લાખ ચુકવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી બેઠક આજે મળતા તેમાં 71કરોડના 77 કામોને લીલીઝંડી આપવામાં આવી હતી. સિંચાઈ, બાંધકામ, શિક્ષણ, પંચાયત સહિતના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આજે હિરાસર એરપોર્ટને સ્વ. વિજયભાઈ રૂપાણી એરપોર્ટ નામ આપવા માટે ભલામણ ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. કારોબારી અધ્યક્ષ પી.જી. કિયાડાએ કહયું હતું કે, અમારી પાસે આવેલી 82 દરખાસ્તો અંગે હકારાત્મક અભિગમ સાથે નિર્ણય લેવાયા હતા. જેતપુર તાલુકાના ચાપરાજપુર ગામે 2014માં એક શાળામાં પોપડુ પડતા વિદ્યાર્થીન ઈજા થતા કેસ દાખલ કરાયો હતો. જેમાં 1.60 લાખની ચુકવણી કરવા ચુકાદો આવતા આજે જિલ્લા પંચાયતે પોતાના ભંડોળમાંથીઆ રકમ આપવા માટે મંજૂરી આપી હતી.રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી ગ્રામપંચાયતોની ચૂંટણીની આચારસંહિતા હટયા બાદ મળતા તેમાં બાંધકામ વિભાગના 32 કામો રૂ.26.97 કરોડના ખર્ચે અને સિંચાઈ વિભાગના 39 કામો રૂ.43.05 કરોડના ખર્ચે કરવા માટે લીલીઝંડી આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીમાં આજે અધ્યક્ષ સ્થાનેથી પણ 15 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી જેમાં એરપોર્ટના નામાકરણ માટે ઠરાવ તેમજ આટકોટના જર્જરિત પી.એચ.સી.સેન્ટરનું ડિમોલિશન કરવાના કામોનો સમાવેશ થાય છે.
જિલ્લા પંચાયત ભવન સાથે કેશુભાઈ પટેલનું નામ જોડાશે
કારોબારી ચેરમેન કિયાડાએ કહયું હતું કે આજે અમે એરપોર્ટના નામકરણ અંગે ભલામણ ઠરાવ કર્યો છે હવે આગામી સામાન્ય સભામાં રાજકોટ જિલ્લા પંચાયતના નવા બની રહેલા ભવનને કેશુભાઈ પટેલ નામ આપવા માટે ઠરાવ કરવામાં આવનાર છે. હું આ ઠરાવ રજૂ કરવાનો છું.