પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને બેઠક: વિપક્ષે ખેડૂતોના દેવા માફી અને જૂની વીમા યોજના લાગુ કરવાની માંગ સાથે હંગામો કર્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
- Advertisement -
મોરબી જિલ્લા પંચાયતની ગત સામાન્ય સભામાં થયેલી કાર્યવાહી નોંધ અને ઠરાવોને અમલવારી આપવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ અને ઇન્ચાર્જ ડીડીઓના અધ્યક્ષસ્થાને ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં છેલ્લા બે માસથી અટકેલા વિવિધ વિકાસકાર્યોને આખરે બહાલી આપવામાં આવી હતી.
ખાસ સામાન્ય સભામાં ગત બેઠકની કાર્યવાહી નોંધ અને ઠરાવોની અમલવારીને બહાલી આપવા ઉપરાંત, ચાર કામોની રકમ જપ્ત કરીને એજન્સીને છૂટા કરી બાકી રહેલા કામ અન્ય એજન્સી પાસે કરાવવાના એજન્ડાને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, વર્ષ 2025-26ના 04-07-2025 પછીના સૂચવેલા કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપીને તાત્કાલિક મંજૂરી પ્રક્રિયા કરવા ઠરાવવામાં આવ્યું હતું. જોકે, સભાની શરૂઆતમાં વિપક્ષના સભ્યોએ ખેડૂતોના દેવા માફી અને જૂની વીમા યોજના લાગુ કરવાની માંગ સાથે થોડીવાર માટે હંગામો મચાવ્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, અગાઉ ડીડીઓ દ્વારા વિકાસ કમિશ્નર પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું હોવાથી કામોમાં વિલંબ થયો હતો. પરંતુ પ્રજાહિતને ધ્યાનમાં રાખીને ખાસ સામાન્ય સભા બોલાવીને તમામ અટકેલા વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે.
ટંકારા નગરપાલિકામાં માર્ગ અને મકાન વિભાગના રોડ તબદીલ કરવાની દરખાસ્ત
ટંકારાને નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આજે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પ્રમુખ સ્થાનેથી બે મુખ્ય દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ હેઠળના રોડ-રસ્તાઓ પાલિકાને તબદીલ કરવા તેમજ માર્ગ અને મકાન વિભાગ હેઠળના રસ્તાઓ રાજ્ય વિભાગને પરત સોંપવા દરખાસ્તો રજૂ કરાઇ હતી. આ ઉપરાંત, નગરપાલિકાના પ્રમુખે રાજ્ય સરકારે જાહેર કરેલા પાક વીમા નુકશાની પેકેજને ’ઐતિહાસિક’ ગણાવ્યું હતું. આ ઠરાવો ટંકારાના શહેરી અને માળખાકીય વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાય છે.



